ભરૂચનાં દહેજ બાયપાસ રોડ પર આવેલાં જુના નંદેલાવ બ્રિજને આજે રવિવારથી ચાર દિવસ માટે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. જયારે 30 વર્ષ જુના બ્રિજની રેલિંગ તેમજ ફૂટપાથની કામગીરી કરવાની હોવાથી બ્રિજ પરથી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ભરૂચના નંદેલાવ ફાટક પાસે વાહન ચાલકોની સરળતા માટે 30 વર્ષ અગાઉ બ્રિજ બનાવવામાં આવ્યો હતો જે આજે-જુના નંદેલાવ બ્રિજ તરીકે ઓળખાય છે.
ગત વર્ષે જુન મહિનામાં જુના બ્રિજની ફૂટપાથનો કેટલોક ભાગ ધરાશાયી થઇ ગયો હતો. જોકે સદ્દનસીબે મોટી જાનહાનિ થતાં અટકી હતી. હાલ આ બ્રિજનું રીપેરિંગ ચાલુ હોવાથી બ્રિજને રવિવારથી ચાર દિવસ માટે વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જુના બ્રિજની બાજુમાં આવેલાં નવા બ્રિજ પરથી બે લેનમાં વાહનો પસાર થવા દેવાશે પણ દહેજ બાયપાસ રોડ પરથી રોજના 30 હજાર કરતાં પણ વધારે વાહનો પસાર થતાં હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બનશે.
નર્મદા ચોકડીથી નેશનલ હાઈવે નંબર-08 ઉપર અહીથી રીસોર્ટથી ચાવજ રેલ્વે અંડર પાસ થઈ હીંગલ્લા ચોકડી તરફ અથવા ભરૂચ શહેર તરફ માત્ર ટુ વ્હીલ૨ તેમજ નાના ફોર વ્હીલર વાહન જઈ શકશે. જયારે એ.બી.સી. સર્કલથી શ્રવણ ચોકડી તરફ જતા બ્રીજ ઉપરના વાહનોને એ.બી.સી. સર્કલથી ડાયવર્ટ કરી સામેની બાજુથી એટલે કે શ્રવણ ચોકડીથી એ.બી.સી. સર્કલ તરફ આવતા બ્રીજ ઉપર જ અવર-જવર કરે તે રીતે ડાયવર્ટ કરી બન્નેતરફનો વાહન વ્યવહાર શ્રવણ ચોકડીથી એ.બી.સી. સર્કલ તરફ આવતા નંદેલાવ બ્રીજ ઉપરથી ચાલુ રહેશે.
ટ્રાફીક જામની સમસ્યા સર્જાય તો એ.બી.સી. સર્કલથી તેમજ મઢુલી સર્કલથી નંદેલાવ બ્રીજ ઉપર ફકત મોટાવાહનોની અવરજવર ચાલુ રહેશે. તેમજ ટુ વ્હીલર તેમજ નાના ફોર વ્હીલર વાહનો એ.બી.સી. સર્કલથી કોલેજ રોડ થઈ ભૃગુઋષિ બ્રીજથી શકિતનાથથી શ્રવણ ચોકડી બાજુ વાહન વ્યવહારની અવરજવર ચાલુ રહેશે. દહેજ તરફથી આવતા ભારે વાહનો વડોદરા–સુરત તરફ જતા વાહનો મનુબર ચોકડીથી જંબુસર બાયપાસ થઈ થામ,દયાદરા, સમની, આમોદ, કરજણ તથા જંબુસર રોડ તરફ જઈ શકશે. તેમજ નેશનલ હાઈવે નંબર-8 ઉપર આવતા વાહનો પાલેજથી સરભાણ, આમોદ, આછોદ, ગંધાર થઈ દહેજ તરફ જઈ શકશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500