વાપીની એક વિદ્યાર્થીને રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે અકસ્માત નડ્યો હતો અને કાનમાં હેડફોન લગાવીને ટ્રેક ક્રોસ કરતી વખતે લોકોએ ટ્રેન જોઇ તેને બૂમો પાડવા છતાં અવાજ ન સાંભળતા તે ટ્રેનની અડફેટમાં આવી ગયો હતો. જેને લઇ સ્થળ ઉપર તેનું મોત થયું હતું. બનાવ અંગે રેલ્વે પોલીસે લાશનો કબજો મેળવી આ અંગે મૃતકના પરિવારને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત એવી છે કે, વાપી ટાઉન સ્થિત દેસાઇવાડમાં નટુભાઇની ચાલીમાં રહેતો અને ગીતાનગરમાં સરદાર વલ્લભભાઇ સ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરતો વિવેક વિનયકુમાર સીંગ (ઉ.વ.17) ગતરોજ સવારે ઘરેથી ગીતાનગર સીતારામ કોમ્પ્લેક્ષમાં ટ્યુશન જવા માટે નીકળ્યો હતો.
તે દરમિયાન કાનમાં હેડફોન લગાવીને જૂના ગરનાળા ઉપર ચઢી રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે 9.15 કલાકે માઉન્ટો ક્રેન એન્જીન જે મુંબઇથી સુરત તરફ જઇ રહી હતી તેની અડફેટમાં આવતા શરીરે તેમજ માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા સ્થળ ઉપર તેનું મોત થયું હતું. જેની જાણ રેલ્વે પોલીસે તેના પરિવારને કરતા મૃતકનાં પિતા વિવેક સીંગ સ્ટેશને દોડી આવ્યા હતાં.
જાણવા જોગ જેવું વિવેક જ્યારે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો ત્યારે મુંબઇ તરફથી માઉન્ટો ક્રેન ટ્રેનને આવતા જોઇ ત્યાં હાજર ઘણાં લોકોએ હેડફોન લગાવીને ટ્રેક ક્રોસ કરી રહેલા વિદ્યાર્થીને જોરજોરથી બૂમો પાડવા છતાં તેને કંઇ ખબર પડી ન હતી.
જોકે ટ્રેનનાં ચાલકે પણ જોરથી હોર્ન મારતા અવાજ ન સાંભળવાથી તે અકસ્માતનો ભોગ બન્યો હતો. જ્યારે આ બનાવમાં તો હેડફોન લગાવીને ચાલીને જઇ રહેલો વિદ્યાર્થી લોકોની બૂમ અને ટ્રેન હોર્ન ન સાંભળતા મોતને ભેંટી ગયો હતો. ભૂતકાળમાં પણ જૂના ગરનાળા પાસે ટ્રેન અડફેટથી અનેકના મોત થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500