વલસાડ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર થર્ટી ફર્સ્ટ ઉજવવા વાપી સાઢુભાઈના ઘરે જતાં વલસાડનાં નનકવાડા સ્થિત શાંતિકુંજ સોસાયટીમાં આવેલાં ઘરના મુખ્ય દરવાજાનું લોક તોડી તસ્કરો કબાટમાં મુકેલા પત્નીના સોનાના દાગીના તેમજ રોકડા મળી કુલ રૂપિયા 1.63 લાખની ચોરી કરી જતાં ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર, વલસાડ શહેર નજીક આવેલા નનકવાડા ગામે શાંતિકુંજ સોસાયટીમાં સંદીપભાઈ મનહરલાલ દેસાઈ રહે છે. જેઓ વલસાડ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે અને પત્ની રીનાબેન સંદીપભાઈ દેસાઈ પારડીની સરદાર ભિલાડવાલા બેંકમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે.
જયારે તેઓ ગત તા.31/12/2022ના રોજ વાપી ટાઉનમાં રહેતા સાઢુભાઈને ત્યા ફેમીલી સાથે જવાનુ હતું. ઘરે બંધ કરી સાંજે 6:00 કલાકે નીકળી પારડીથી પત્ની રીટાબેનને લઈને વાપી ચલામાં રહેતા સાઢુભાઈ કેતનભાઈ કાંતીભાઈ દેસાઈના ઘરે ગયા હતા. સાઢુભાઈનાં ઘરે રાત્રે રોકાણ કર્યા બાદ બીજા દિવસે તા.01/01/2023ના રોજ વાપીથી સાઢુના ઘરે અન્ય મુંબઈમાં રહેતા સાઢુભાઈ ઉમેશભાઈ ધનેશા તથા જીતેન્દ્ર દેસાઈ તથા સાળો રિવભાઈ દોલતરાય દેસાઈ સાથે ફોર વ્હીલ ગાડીમાં બેસી વાપીથી સવારના આશરે સાડા નવેક વાગ્યે ચારેય જણા વલસાડ ઘરે આવવા નીકળ્યા હતા.
જોકે સવારે 10:00 કલાકે ઘરે પહોંચી જોતાં ઘરનો મેઇન દરવાજો ખુલ્લો જોવા મળ્યો અને દરવાજાનું હેન્ડલ નીચે પડેલું જોતા ઘરમાં ચોરી થઇ હોવાની શંકા જતા અંદર જઈ જોયું તો કબાટમાં મુકેલા સોનાના દાગીના રોકડા મળી કુલ રૂપિયા 1,63,700/-ના મુદ્દામાલની ચોરી થવાની ઘટના બની હતી. બનાવ અંગે વલસાડ સીટી પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500