વલસાડનાં વાપી તાલુકાનાં બલીઠા ખાતે ખુલ્લી જગ્યામાં જનેતાએ બાળકનાં જન્મને ઇરાદાપુર્વક છુપાવી નવજાત બાળકનાં મૃતદેહનો છુપી રીતે નિકાલ કરવાના ઇરાદે રાત્રિનાં સમયે નિષ્ઠુર જનેતાએ નવજાત બાળકને ફેંકી દીધું હતું. આ બાળકના મૃતદેહ પર સ્થાનિકનું ધ્યાન જતા તેઓએ ગામના સરપંચ, અગ્રણીઓ અને પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે નવજાત બાળકની લાશનો કબ્જો લઈ જનેતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાપીનાં બલીઠા ખાતે દાંડીવાડમાં રહેતા અને ઉપ-સરપંચએ ગત તા.9નાં રોજ સાંજે ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટ હોવાથી સભ્ય સાથે ગ્રાઉન્ડ ઉપર ગયા હતા.
તે દરમિયાન બલીઠા કોળીવાડ ખાતે રહેતા શખ્સએ ફોનથી જણાવેલ કે, તેમના રૂમની બાજુનાં કમ્પાઉન્ડમાં આવેલ ખુલ્લી જગ્યામાં એક નવજાત જન્મેલ બાળક મૃત હાલતમાં પડેલ છે. સ્થાનિકે આપેલી માહિતિ અનુસાર, ત્યાં જઇ ચેક કરતા નવજાત જન્મેલું બાળક મૃત હાલતમાં જમીન તરફના મોઢાનું પડેલ હોય ગ્રામજનોએ તેના વાલીવારસ બાબતે ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરતા કોઇ પત્તો લાગ્યો ન હતો.
ત્યારબાદ આ અંગે ટાઉન પોલીસને જાણ કરાતા પોલીસે લાશનો કબ્જો મેળવી નવજાત બાળકને ફેંકી જનાર અજાણ્યા સામે ગુનો નોંધી તેઓને શોધવા તપાસ હાથ ધરી હતી. જયારે અજાણી સ્ત્રીએ બાળકના જન્મને ઇરાદાપુર્વક છુપાવી જન્મ પહેલા કે પછી જન્મની વેળાએ નવજાત બાળકના મૃતદેહને છુપી રીતે નિકાલ કરવાના ઇરાદે રાત્રિના સમયે ફેંકી ગઇ હોય તે શંકાએ વધુ તપાસ હાથ ધરાઇ છે. ઘટના અંગે વાપી પોલીસે ઘટના સ્થળની આજુબાજુના વિસ્તારના સરકારી અને ખાનગી CCTV ફૂટેજ મેળવી નિષ્ઠુર જનેતા અને બાળકને ફેંકી જનારની શોધખોળ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500