વલસાડનાં ઉમરગામ તાલુકાની ભિલાડ પોલીસની ટીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે વલવાળા હાઇવે ઉપર છાપો મારીને એક કન્ટેનરમાં પાર્સલની આડમાં બીલીમોરા તરફ લઈ જવાતો 1584 બોટલ વિદેશી દારૂનો જથ્થો ભિલાડ પોલીસે ઝડપી પાડ્યો હતો. ભિલાડ પોલીસે આ કેસમાં કન્ટેનર, કાર, બાઇક, પરચુરણ પાર્સલનો સામાન, 1584 બોટલ વિદેશી દારૂનો જથ્થો અને મોબાઈલ મળી કુલ રૂપિયા 23.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ભિલાડ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
જયારે આ ગુનામાં સંડોવાયેલી એક મહિલા સહિત ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ભીલાડ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે એક કાર નંબર GJ/15/AD/9768માં દમણથી દારૂનો જથ્થો લાવી, વલવાડા હાઇવે ઉપર ખુલ્લી જગ્યામાં દારૂનો જથ્થો એકત્રિત કરી, એક કન્ટેનર નંબર GJ/05/BU/6938માં મુકેલ પાર્સલોની આગમાં દારૂનો જથ્થો ભરી, અલગ-અલગ વિસ્તારોમાં સુરત તરફ લઈ જવાના હોવાની બાતમી મળી હતી.
મળેલી બાતમીનાં આધારે ભીલાડ પોલીસની ટીમે, તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, ચેક કરતા, ગૌરી ટ્રાન્સપોર્ટ સર્વિસ નો એક કન્ટેનર નંબર GJ/05/BU/6983માં ચેક કરતા, અલગ-અલગ પાર્સલોની સાથે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ભીલાડ પોલીસે કન્ટેનર ચાલકની અટકાયત કરી પૂછપરછ કરતા, દમણથી વિનોદભાઈ ધીરુભાઈ પટેલે તેમની કાર નંબર GJ/15/AD/9768માં દારૂનો જથ્થો લાવી, વલવાડા ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો.
કન્ટેનર ચાલક તાહિર હુસેન મહોમદ હલીમ સીદીકીના કન્ટેનરમાં પરચુરણ પાર્સલોની સાથે, દારૂનો જથ્થો છુપાવી લઈ જવા કેવલ સુરેશ પટેલે જણાવ્યું હતું અને દારૂનો જથ્થો બીલીમોરા ખાતે રહેતી મહિલા હીનાબેનને ત્યાં પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું. ભીલાડ પોલીસે 1.56 લાખની કિંમતનો 1584 બોટલ વિદેશી દારૂનો જથ્થો, તેમજ દમણથી દારૂનો જથ્થો લાવવા માટે ઉપયોગમાં લેવાયેલી કાર, કન્ટેનરમાં મુકેલા પરચુરણના અલગ અલગ પાર્સલો કન્ટેનર, બાઈક અને મોબાઈલ મળી કુલ 23.45 લાખનો મુદ્દા માલ કબજે લઈ, દારૂ ભરાવનાર અને મંગાવનાર સહિત ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી, ભીલાડ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500