વલસાડનાં સેલવાસ ભિલાડ રોડ ઉપરથી એક ટેમ્પોમાંથી POP પાવડરની આડમાં બોટાદ લઈ જવાતો 3,720 બોટલ વિદેશી દારૂનો જથ્થો વલસાડ LCBની ટીમે ઝડપી પાડ્યો હતો. જોકે વલસાડ LCBની ટીમે દારૂનો જથ્થો ટેમ્પો અને POP પુટ્ટી મળી કુલ રૂપિયા 12.19 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પો ચાલકની ધરપકડ કરી ગુનામાં સંડોવાયેલા 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી ભિલાડ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વલસાડ LCBની ટીમ ભીલાડ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
તે દરમિયાન મળેલી બાતમીનાં આધારે એક ટેમ્પો નંબર DN/09/E/9839માં POP પાવડરની થેલીની આડમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સેલવાસથી ટેમ્પો ચાલક નીકળ્યો હોવાની બાતમી મળી હતી અને મળેલી બાતમીના આધારે સેલવાસ ભીલાડ રોડ ઉપર તળાવ પાડા તળાવ પાસે LCBની ટીમ સેલવાસથી આવતા વાહનો ઉપર બાતમીવાળા ટેમ્પોની વોચ ગોઠવી ઉભી હતી.
તે સમયે બાતમી વાળો ટેમ્પો આવતા ટેમ્પોને અટકાવી ટેમ્પોમાં ચેક કરતા ટેમ્પોમાં 240 POPની બેગમાંથી 3,720 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે 6.74 લાખની કિંમતનો 3720 બોટલ દારૂનો જથ્થો, ટેમ્પો, મોબાઈલ અને POPની 240 બેગ મળી કુલ રૂપિયા 12.19 લાખનો મુદ્દામાલ કબજે કરી LCBની ટીમે ટેમ્પો ચાલક રવજી રામજી પરમારની અટકાયત કરી હતી.
જોકે પૂછપરછ કરતા દારૂનો જથ્થો બોટાદ ખાતે રહેતા દિપક નાથાભાઈ સોલંકીએ સેલવાસથી દીપકભાઈના કહેવા ઉપર મુન્ના નામના અજાણ્યા ઇસમે ભરાવી આપ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી LCBની ટીમે બોટાદનાં દીપકભાઈ સોલંકી અને અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી ભીલાડ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500