રેલવે LCBએ વિરાર-વલસાડ લોકલ ટ્રેનમાંથી અતુલ અને વલસાડ વચ્ચે રનિંગ ટ્રેનમાંથી સાત મહિલાઓને વિદેશી દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડી હતી. રેલવે LCBની ટીમે નવસારી અને સુરતની કુલ સાત મહિલા બુટલેગરોની ધરપકડ કરીને વલસાડ GRP પોલીસ મથકે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, રેલવે LCBની ટીમ પ્રોહિ. ડ્રાઇવ અંતર્ગત વલસાડ GRP પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
તે દરમિયાન મુંબઇ અમદાવાદ વચ્ચે ટ્રેન વ્યવહાર સામાન્ય થયા બાદ ટ્રેન માર્ગે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો વધુ સક્રિય થયા હોવાની બાતમી મળી હતી. જેના આધારે રેલવે LCBની ટીમે વલસાડ-વાપી વચ્ચે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન મળેલી બાતમીનાં આધારે, વિરાર-વલસાડ લોકલ ટ્રેનમાં વાપીથી કેટલીક મહિલાઓ વિદેશી દારૂનો જથ્થો લઈ વલસાડ આવી અલગ-અલગ ટ્રેનોમાં નવસારી અને સુરત ખાતે દારૂનો જથ્થો સપ્લાય કરતી હોવાની બાતમી LCBની ટીમને મળી હતી.
જે બાતમીનાં આધારે LCBની ટીમે વિરાર-વલસાડ લોકલ ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે દરમિયાન એન્જિનથી ચોથા ડબ્બામાં કુલ 7 મહિલાઓને વિદેશી દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડી હતી. જોકે સાત મહિલાઓ પાસેથી રૂપિયા 42,500/-ની કિંમતની 383 બોટલ અને 5 નંગ મોબાઇલ મળી આવ્યા હતા. જોકે તમામ મહિલાઓની અટકાયત કરી, વલસાડ GRP પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500