દમણનાં કચીગામ સ્થિત એક કંપનીમાં ચોરી કરતા વોચમેન સહિત ત્રણ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કચીગામનાં ગણેશ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રાત્રીનાં સમયે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગોલ્ડ સ્ટાર પોલીમર્સ કંપનીનાં સિક્યુરિટી કેબિનમાં એકપણ વોચેમન જોવા મળ્યો ન હતો. પોલીસે આશંકાના આધારે કંપનીમાં તપાસ કરતા કેટલાક ઇસમો અંદરના ભાગે ટોર્ચની લાઇટથી ઇલેકટ્રિક પેનલ નજીક શંકાસ્પદ હાલતમાં કામ કરી રહ્યા હતા.
જોકે પોલીસને જોતા જ ચારેક ઇસમો ત્યાંથી ફરાર થઇ ગયા હતા જ્યારે ત્રણ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. જેમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો ઉદયશંકર ગણેશ યાદવ (રહે.મોહનભાઇની ચાલી, ડુંગરી ફળિયા, કચીગામ), ભંગારનો ધંધો કરતા પ્રમોદ પાઉટું કશ્યપ (રહે.મસ્જિદની પાછળ,વરકુંડ) અને પ્રમોદ ચિન્કી યાદવ (રહે.આલ્કેમ કંપનીની પાછળ, કલાસિક ઇન્ડસ્ટ્રીઝ, કચીગામ)નાઓની ધરપકડ કરી હતી.
આમ, પોલીસે સ્થળ ઉપરથી ઇલેકટ્રિક કેબલના ટુકડા, એલ્યુમિનિયમ ફ્રેમ, કોપરના સળિયા, ઇન્વર્ટરી બેટરી અને હેકસો બ્લેડ કબજે લીધી હતી. ઉપરોક્ત ત્રણેય ઇસમો સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા જેથી કોર્ટે ત્રણેય આરોપીને આજદિન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બનાવ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500