ઉમરગામથી ડુંગરી સુધીનાં રેલવે ટ્રેકની બાજુમાં ફ્રેટ કોરીડોરની કામગીરી ચાલી રહી છે. વાપીના બલીઠા, બગવાડાનાં ફાટક બાદ હવે મોરાઇ ફાટક પાસે કામગીરી શરૂ થઇ છે. જેને લઇ જિલ્લા મેજિસ્ટ્રેટે તારીખ 31 માર્ચ 2023 સુધી મોરાઇ ફાટક બંધ રહેવા અંગેનું જાહેરનામુ બહાર પાડયુ હતું અને હાઇવેથી દમણ તરફ જતાં વાહન ચાલકો માટે બલીઠા ફાટક પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
જોકે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડશે. વલસાડ જિલ્લામાં ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની (ડીએફસીસી) અલગથી ગુડર્સ ટ્રેન માટે કામગીરી ચાલી રહી છે. જેમાં બગવાડા, બલીઠા બાદ હવે મોરાઇના ટ્રેક પર સોમવારથી કામગીરીનો પ્રારંભ થયો હતો. જેને લઇ મોરાઇ એલ.સી.ગેટ નં.82 મોરાઈ ફાટકને 31 માર્ચ 2023 સુધી બંધ રાખવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટએ ટ્રાફિક નિયમન અંગે પ્રતિબંધ/ડાયવર્ઝનનું જાહેરનામુ બહાર પાડ્યુ છે.
જાહેરનામામાં જણાવ્યા મુજબ, એલ.સી.ગેટ નં.82 મોરાઈ ફાટક પર આવતા જતા તમામ પ્રકારના વાહનોની અવર જવર માટે તારીખ 31 માર્ચ 2023નાં રાત્રિનાં 12-00 કલાક સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વાહન ચાલકોને અગવડતા ન પડે તે માટે આ પ્રતિબંધિત માર્ગનાં વાહનોને એલ.સી.ગેટ નં.81 બલીઠા ફાટક પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેથી સ્થાનિક પોલીસને ડાયવર્ઝન વાળી જગ્યાએ તથા ડાયવર્ઝન રૂટ ઉપર ટ્રાફિકનું નિયમન કરવા માટે પૂરતો બંદોબસ્ત રાખવા જણાવાયું છે. 6 મહિના સુધી મોરાઇ ફાટક બંધ રહેવાથી વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500