વલસાડમાં મોડી સાંજે મિત્રો સાથે હોટલમાં જમીને પરત થતાં પોલીટેકનિક કોલેજનાં એક વિદ્યાર્થીને કારે ટક્કર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. જોકે આ અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. જયારે કારનો નંબર નોંધી લેતા અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો. મળતી માહિતી મુજબ, વલસાડ ભાગડાવડા પંચાયત હદમાં તિથલ રોડ પાસે કોલેજ કેમ્પસમાં આવેલી સરકારી પોલીટેક્નિક કોલેજનો વિદ્યાર્થી હરમિતસિંગ (ઉ.વ.19) જે પોતાના ત્રણ-ચાર મિત્રો સાથે સાંજે 7.30 વાગ્યાના સુમારે વલસાડ સ્ટેશન રોડ ઉપર એક હોટલમાં જમવા માટે ગયા હતા.
જયારે ત્યાંથી જમી પરવારીને તેઓ પગપાળા ચાલી સ્ટેડિયમ રોડ પરથી જલારામ રામરોટી ચોક વળાંક પાસેથી ટાવર તરફ જઇ રહ્યા હતા ત્યારે સ્ટેશન રોડ પરથી અચાનક એક કાર ચાલક પુરઝડપે કાર લઇને ધસી આવી આ મિત્રો તરફ ધસી આવી હરમિતસિંગને અડફેટમાં લેતા ગંભીર ઇજા પહોંચાડી હતી અને આ કારનો ટાયર તેના ગુપ્ત ભાગે ટકરાઇ જતાં વિદ્યાર્થીને વધુ ઇજા પહોંચી હતી.
જોકે ઘટનાની જાણ થતાં લોકોએ ભેગા થઇ ઇજાગ્રસ્તને બેભાન હાલતમાં નજીકના હોસ્પિટલમાં દાખલ કર્યો હતો પરંતું ગંભીર ઇજા પહોંચતા તેને સુરત ખાતે રિફર કરાયો હતો. જ્યાં ઇમરજન્સી સારવાર આપવામાં આવી રહી હતી. જયારે અકસ્માત સર્જનાર કાર ચાલક કાર લઇને ભાગી છુટ્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓએ તેનો નંબર નોંધી લઇ ફરિયાદ નોંધાવતા સિટી પોલીસે અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી ફરાર ચાલકને પકડી પાડવા આગળની તપાસ શરૂ કરી દીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500