નેશનલ હેરાલ્ડ કેસમાં ૯૮૮ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ બદલ કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વર્તમાન સાંસદ રાહુલ ગાંધી સામે પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં કોંગ્રેસના આ બન્ને નેતાઓને આરોપી બનાવવામાં આવ્યા છે. સોનિયા ગાંધીને આરોપી નંબર ૧ અને રાહુલને આરોપી નંબર ૨ બનાવાયા છે. જેને કારણે આ મામલે ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. દિલ્હીના રાઉઝ એવન્યૂ કોર્ટના વિશેષ જજ વિશાલ ગોગણે દ્વારા ચાર્જશીટની તપાસ કરાઇ હતી, આ મામલે હવે ૨૫મી એપ્રીલે વધુ સુનાવણી કરવામાં આવશે. ઇડીની ચાર્જશીટમાં માત્ર સોનિયા અને રાહુલ ગાંધી જ નહીં સાથે રાહુલ ગાંધીના ખાસ મનાતા સામ પિત્રોડા અને સુમન દુબેને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.
અન્ય આરોપીઓમાં યંગ ઇન્ડિયન, ડોટેક્સ મર્કન્ડાઇઝ પ્રા. લિ. અને સુનિલ ભંડારીનો પણ સમાવેશ કરાયો હોવાના અહેવાલો છે. આ ચાર્જશીટ મની લોન્ડરિંગના કાયદાની કલમ ૩ (મની લોન્ડરિંગ), કલમ ૪ (મની લોન્ડરિંગ બદલ સજા) હેઠળ ઇડીના વકીલ એન કે મટ્ટા દ્વારા દાખલ કરાઇ હતી. જજે કહ્યું હતું કે ઇડી આગામી સુનાવણી પૂર્વે ફરિયાદની સોફ્ટ કોપી અને દસ્તાવેજો વાંચી શકાય તેવા ફોર્મેટમાં દાખલ કરે. આ ચાર્જશીટ એવા સમયે દાખલ કરાઇ છે જ્યારે ઇડીએ થોડા દિવસ પૂર્વે જ રાહુલ અને સોનિયા ગાંધી સાથે સંકળાયેલી અસોસિએટેડ જર્નલ્સ લિ. (એજેએલ) સાથે સંકળાયેલી ૭૦૦ કરોડ રૂપિયાની સંપત્તિનો કબજો લીધો હતો. આ જ કંપની નેશનલ હેરાલ્ડ અખબાર પ્રકાશિત કરવાનો અધિકાર ધરાવે છે, જ્યારે માલિકી યંગ ઇન્ડિયા પ્રા. લિ. પાસે છે. કંપનીમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી બન્ને ૩૮-૩૮ ટકા શેર ધરાવે છે.
હાલ બન્ને નેતાઓની સામે આ કેસમાં ઇડીએ ચાર્જશીટ દાખલ કરી છે, એટલુ જ નહીં સોનિયા ગાંધીના જમાઇ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે પણ ઇડીએ સકંજો કસ્યો છે, હરિયાણાના શિખોપુરમાં જમીન સોદાના મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાને ઇડીએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા, જેને પગલે વાડ્રા ઇડીની કચેરીએ હાજર થયા હતા. વાડ્રા દિલ્હી સ્થિત ઇડીની ઓફિસે સમર્થકો સાથે પહોંચ્યા હતા જેમણે સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. વાડ્રાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે મારા પરના આરોપો જુઠા છે, અગાઉ અનેક વખત એજન્સી સમક્ષ હાજર થઇ ચુક્યો છું. વાડ્રા સાથેનો આ કેસ વર્ષ ૨૦૦૮નો છે. વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટીએ ગુડગાંવમાં ત્રણ એકર જમીન ખરીદી હતી,
કમર્શિયલ હેતુના ઉપયોગની મંજૂરી મળી ગયા બાદ આ જમીનને તેમની કંપનીએ ૫૮ કરોડ રૂપિયામાં ડીએલએફને વેંચી હતી. તેથી એક તરફ ઇડીએ પ્રિયંકા ગાંધીને બાદ કરતા ગાંધી પરિવારના ત્રણ લોકોને સકંજામાં લીધા છે. વાડ્રાની ઇડીએ બે કલાક પૂછપરછ કરી હતી જે બુધવારે પણ શરૂ રહે તેવી શક્યતા છે. તેથી બુધવારે પણ વાડ્રાએ હાજર થવું પડશે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની વર્ષ ૨૦૧૪ની ફરિયાદના આધારે ઇડીએ હેરાલ્ડ કેસની તપાસ હાથમાં લીધી હતી, સ્વામીનો આરોપ હતો કે સોનિયા, રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓએ અસોસિએટેડ જર્નલ્સ લિ.ની સંપત્તિ માત્ર ૫૦ લાખમાં પોતાના નામે કરી લીધી જ્યારે માર્કેટ વેલ્યૂ ૨૦૦૦ કરોડ રૂપિયાની હતી. નેશનલ હેરાલ્ડનું પ્રકાશન આ કંપની પાસે છે. જ્યારે યંગ ઇન્ડિયા પાસે માલિકી છે જેમાં રાહુલ-સોનિયાના શેર છે. આ સંપત્તિનો બાદમાં વધુ કૌભાંડ માટે ઉપયોગ થયાનો આરોપ લગાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500