એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સહારા ગ્રુપ વિરુદ્ધના મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે મહારાષ્ટ્રના લોનાવાલામાં ૧,૪૬૦ કરોડ રૂપિયાના ૭૦૭ એકરમાં ફેલાયેલ એમ્બી વેલી સિટી અને તેની આસપાસના વિસ્તારને ટાંચમાં લઇ લીધો છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ વિસ્તાર મુંબઇથી ૧૧૦ કિમી અને પૂણેથી ૯૦ કિમી દૂર આવેલો છે. તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, એમ્બી વેલી સિટીને ટાંચમાં લેવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ઇડીની કોલકાતા ઓફિસ દ્વારા પ્રોવિઝનલ ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો. ઇડીએ વધુમાં જણાવ્યું હતું કે, આ જમીન બેનામી નામોથી ખરીદવામાં આવી હતી અને સહારા ગ્રુપ એકમોમાંથી આ ફંડ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.
એજન્સીએ જણાવ્યું છે કે, સહારા ઇન્ડિયા અને તેના ગ્રુપ એકમોના કેસમાં ૧૪૬૦ કરોડ રૂપિયાની બજાર કીંમત ધરાવતા એમ્બી વેલી સિટી, લોનાવાલા અને તેની આસપાસના વિસ્તારને ટાંચમાં લેવામાં આવ્યો છે. વિવિધ રાજ્ય પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી ૫૦૦થી વધુ એફઆઇઆરને આધારે આ મની લોન્ડરિંગ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઓડિશા, બિહાર અને રાજસ્થાન પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ ૩ એફઆઇઆર હુમારા ઇન્ડિયા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ (એચઆઇસીસીએસએલ) અને અન્યની વિરુદ્ધ આઇપીસી, ૧૮૬૦ની કલમ ૪૨૦ અને ૧૨૦બી હેઠળ દાખલ કરવામાં આવી હતી.
ઇડીની તપાસમાં જાણવા મળ્યું છે કે, સહારા ગ્રુપ અનેક પ્રકારની પોન્ઝી સ્કીમ ચલાવી રહ્યું હતું. આ પોન્ઝી સ્કીમ અનેક અલગ અલગ કંપનીઓના માધ્યમથી ચાલી રહી હતી. જેમાં એચઆઇસીસીએસએલ, સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ (એસસીસીએસએલ), સહારાયન યુનિવર્સલ મલ્ટીપરપઝ કોઓપરેટિવ સોસાયટી (એસયુએમસીએસ), સ્ટાર્સ મલ્ટીપરપઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ (એસએમસીએસએલ) વગેરે સામેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500