દમણ જિલ્લા અને સેશન્સ જજની કોર્ટમાં લગભગ અઢી વર્ષથી ચાલી રહેલા બળાત્કારના કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ સોમવારે સેશન્સ કોર્ટના જજ પી.કે. શર્માએ મૂળ ઉત્તરપ્રદેશના વતની મનીષ ઉર્ફે પપ્પુ રામખિલવણ યાદવને દોષિત ઠેરવી તેને 10 વર્ષની સખત કેદ અને રૂપિયા 5500/-ના દંડની સજા ફટકારી છે. બનાવની વિગત એવી છે કે, તા.10 ડિસેમ્બર 2019ના રોજ દમણના દલવાડાની રહેવાસી રેશ્મા (નામ બદલેલ છે) એ કડૈયા કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તા.9 ડિસેમ્બરે તેના પતિ કામ પર ગયા બાદ મહિલા તેની સાથે વાત કરવા દલવાડા સ્થિત કંપનીમાં ગઈ હતી.
જોકે સિક્યોરિટી ગાર્ડે ફોન કરીને મહિલાને અંદર આવવા કહ્યું, મહિલાના ના પાડવા પર સિક્યુરિટી ગાર્ડે મહિલાના ગળા પર છરી મૂકી દીધી અને તેને બળજબરીથી કંપનીના એક ખાલી રૂમમાં લઈ ગયો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે ગત તા.10 ડિસેમ્બરના રોજ ભારતીય દંડ સંહિતાની કલમ 376 અને 506 હેઠળ FIR નોંધીને આરોપી સિક્યુરિટી ગાર્ડ મનીષ ઉર્ફે પપ્પુ રામખિલવણ યાદવની ધરપકડ કરી હતી.
જયારે કડૈયા કોસ્ટલ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ દમણ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. દમણ જિલ્લા અને સેશન્સ જજ પી.કે.શર્માએ સુનાવણી કરી હતી. જેમાં પુરાવા અને ડૉક્ટર સહિત કુલ 7 સાક્ષીઓની સુનાવણી બાદ આરોપી મનીષ ઉર્ફે પપ્પુ રામખિલવણ યાદવને ભારતીય દંડ સંહિતાની કલમ 376 હેઠળ 10 વર્ષની જેલ અને 5000 રૂપિયા અને આઈપીસી 506ના દંડ સાથે 1 વર્ષની જેલ અને રૂપિયા 500ની સજા ફટકારી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500