વાપીથી સરીગામ તરફ આવી રહેલી બાઇકને સરીગામ નજીક એક અજાણ્યા કાર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માત કરી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. જયારે ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિક લોકોએ 108ની મદદે બાઈક ઉપર સવાર બંને યુવકોને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.
જ્યાં બાઈક ઉપર પાછળ બેસેલા યુવકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે બાઈક ચાલકને થયેલી ગંભીર ઇજાઓને લઈને વધુ સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. બનાવ અંગે મૃતકના પરિવારજનોએ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ભિલાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદનાં આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉમરગામ તાલુકાનાં સરીગામ ખાતે રહેતા શ્રાવણકુમાર પ્રેમાનંદ રાજભર તેના મિત્ર રાજેશ ફુલચંદ શર્માની બાઈક ઉપર વાપીથી સરીગામ આવી રહ્યા હતા. તે દરમિયાન સરીગામ બજારમાં રામદેવ મેડિકલ સામે અજાણ્યા કાર ચાલકે પાછળથી ટક્કર મારી બાઇકને અડફેટે લઈ અકસ્માત સર્જી કાર ચાલક ભાગી ગયો હતો. જોકે આ અકસ્માત થતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ 108ની ટીમની મદદ મેળવીને અકસ્માતમાં ઘાયલ બંને યુવકોને ભિલાડ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.
જ્યાં બાઈક ચાલક રાજેશ શર્માને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે બાઇકમાં પાછળ બેસેલા શ્રાવણ રાજભરને થયેલી ગંભીર ઇજાઓને લઈને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે શ્રાવણનાં મામના દીકરા ત્રિયેશ નંદલાલ રાજભરે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આમ, ભિલાડ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ કરતા આજુ-બાજુનાં CCTV ફૂટેજ મેળવી અજાણ્યા કાર ચાલકને ઝડપી પડવાની કામગીરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500