પારડી બગવાડા હાઈવે પર રજવાડી હોટલના સામે એક ઓડી કારે બાઈકને ટક્કર મારતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બાઇક ઉપર સવાર એક યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેસેલો યુવકનું ગંભીર પ્રકારની ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પારડીનાં ઓરવાડ ગામે ડુંગર ફળિયા ખાતે રહેતો રામદાસ ગૌતમ (ઉ.વ.45) જેઓ 15-20 દિવસ પહેલા ભીલાડ સરીગામ ખાતે આંબાવાડીમાં કામ કરવા માટે તેના મિત્ર વિનોદ રમણલાલ ગૌતમ (રહે.ભીલાડ)ની સાથે ગયો હતો અને તે આંબાવાડીમાં જ રહેતો હતો જોકે સાંજે આ બંને યુવાનો CT-100 બાઈક નંબર GJ/15/GG/6359 પર સવાર થઈ ઓરવાડ ખાતે રામદાસના પરિવારને મળવા માટે આવી રહ્યા હતા.
તે સમયે બગવાડા હાઈવે પર રજવાડી હોટલની સામે એક ઓડી કાર નંબર MH/40/Z/0909 ચાલકે પુરઝડપે ઓડી કાર હંકારી લાવી બાઈક સવાર બંને યુવાનોને ટક્કર મારી હાઇવે પર ફંગોળી દીધા હતા. જેથી આ અકસ્માતમાં બાઈક સવાર બંને યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેઓને સારવાર માટે પારડી સી.એચ.સી હોસ્પિટલ ખસેડાયા હતા.
જ્યાં સારવાર દરમિયાન વિનોદભાઈને હોસ્પિટલના તબીબે મૃત જાહેર કર્યો છે. જોકે રામદાસને પણ ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હોવાથી તેને વલસાડ સિવિલમાં દાખલ કરાયો હતો. બનાવ અંગે પારડી પોલીસે ઓડી કાર ચાલક ભરત દેવીલાલ પુરોહિત (રહે.બોરીવલી, ઇસ્ટ મુંબઈ) નાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500