વાપી રેલ્વે સ્ટેશનથી પુત્ર-પુત્રીને બાઇક ઉપર બેસાડી ઘરે લઇ જતા યુવકને વલસાડી જકાતનાકા ઉપર સામેથી પૂરઝડપે બાઇક હંકારી આવતા ઇસમે ટક્કર મારતા ચારેય લોકોને ગંભીર ઇજા પહોંચી હતી, જેમાં પિતાએ સારવારમાં દમ તોડી દેતા ફરિયાદ નોંધાવાઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પારડીનાં કિકરલા ગામે સનરાઇસ રેસીડેન્સીમાં રહેતા રામદેવ તિલકધારી યાદવ (ઉ.વ.50) જેઓ દમણ ખાતે આવેલ સ્કોટ પુનાવાલા કંપનીમાં પ્રોડક્શન સુપર વાઇઝર તરીકે નોકરી કરતા હતા.
તેમજ તેઓ ગત તા.28 જૂને તેમનો પરિવાર વતન યુપીથી વાપી રેલ્વે સ્ટેશને આવતા તેઓ બાઇક નંબર ડીડી/03/એચ/7932 લઇને તેઓને લેવા પહોંચ્યા હતા. જ્યારે પત્ની જીવતીબેન અને પુત્રી રીંકુબેનને રિક્ષામાં બેસાડી બાઇક ઉપર છોકરી કાજલ અને પુત્ર પ્રેમને બેસાડી તેઓ કિકરલા ગામે જવા નીકળ્યા હતા.
તે દરમિયાન વાપી જૂના રેલવે ફાટકથી વલસાડી જકાતનાકા તરફ જતા રોડ ઉપર સામેથી પલ્સર બાઇક નંબર જીજે/15/ડીક્યુ/5492 લઇને પૂરઝડપે આવી રહેલા ઇસમે રામદેવની બાઇકને જોરથી ટક્કર મારતા તમામ લોકો રસ્તા ઉપર પટકાઇ ગયા હતા. જેથી તેઓ સારવાર માટે ચલા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ત્યારબાદ વધુ સારવાર માટે તેઓ વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાતા શુક્રવારે રામદેવનું મોત નીપજ્યું હતું. આ થયેલ અકસ્માત પુત્રી અને પુત્રને પણ મોઢા અને માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે પલ્સરનો બાઇક ચાલક પણ ઘવાયો હતો. બનાવ અંગે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500