વલસાડ અને વાપી શહેરમાં જૂની જર્જરિત મિલકતોને લઇ ચોમાસા પહેલાં કોઇ જાનહાનિ કે અકસ્માત ન થાય તે માટે પાલિકા તંત્રએ કવાયત હાથ ધરી છે. વલસાડના 250 અને વાપીના 100 મળી કુલ 350 જર્જરિત મિલકતોના માલિકને નોટિશ આપવામાં આવી છે. વલસાડમાં સરકારી વસાહતના 2 અને દમણગંગા વિભાગ મળી 5 જેટલા સરકારી મકાનો સહિત જૂના મકાનો, 2 માળના ક્ષતિગ્રસ્ત એપાર્ટમેન્ટો સહિત 250 જેટલી મિલકતો બિસ્માર અને જર્જરિત થતાં પાલિકાએ નોટિસની કાર્યવાહી કરી છે.
જયારે વાપી પાલિકાએ વર્ષો જુના અને જર્જરિત બનેલા મકાનોના મિલકત ધારકોને નોટિશ આપવામાં આવી છે. આ સાથે પાલિકા દ્વારા આવા મિલકત ધારકોને જોખમી ભાગ ઉતારી લેવા, જર્જરિત હિસ્સાની મરામત કરાવી પાલિકાને જાણ કરવા તાકીદ કરવામાં આવી છે.
વલસાડ શહેર વિસ્તારમાં આવેલી જર્જરિત મિલકતોથી ચોમાસામાં ભારે વરસાદ, વાવાઝોડા કે તોફાની પવન જેવા સંભવિત સંજોગોમાં જર્જરિત મિલકતો જોખમરૂપ પરિસ્થિતિ ઉભી કરે તેવી શક્યતાને જોતાં વલસાડ નગરપાલિકાએ અત્યારથી જ કવાયત હાથ ધરી છે. પાલિકા દ્વારા આ સિવાય જે મિલકતો નબળી છે તેના માલિકોને જોખમી ભાગ ઉતારી લેવા તાકીદ કરી છે.
આ બધી મિલકતો મોટા ભાગે ખાલી અને બંધ છે.પરંતું જૂની અને 35થી 40 વર્ષથી વધુ જૂની છે તેમના બાંધકામ ક્ષીણ થઇ ગયાં છે અને એવી મિલકતો કે જેનો હિસ્સો તૂટી જઇ શકે છે તે ભાગો દૂર કરાવવા અને મરામત કરાવવા માટે નગરપાલિકાના બાંધકામ વિભાગ અને સીઓ દ્વારા જાહેર નોટિસની કાર્યવાહી કરી તમામને નોટિસો જારી કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500