વલસાડ ડુંગરી હાઇવે પર એક ઇકો કારની પાછળથી ચાદર બાંધીને મોપેડ પર બેસી ટોચન કરીને જતાં પારડી જીઆઇડીસીમાં નોકરી કરતા મોપેડ ચાલકને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ટોચન કરેલા મોપેડ ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગણદેવી તાલુકાનાં કેસલી ગામે પોસરી ફળિયામાં રહેતાં પંકજ મગનભાઇ પટેલના પિતરાઇ ભાઇ રજનીકાંત નટવરલાલ કો.પટેલ પારડી જીઆઇડીસીમાં આર.કે.લાઇટ કંપનીમાં નોકરી કરતો હતો.
જોકે તેઓ શુક્રવારનાં રોજ રાત્રે મોપેડ લઇને નોકરીએથી ઘરે જઇ રહ્યો હતો તે સમયે ધરમપુર ચોકડી પાસે ગીરીરાજ હોટલ પાસે મોપેડ રસ્તામાં બગડી જતા તેના ઇકો ચાલક મિત્ર ગણદેવી તાલુકાનાં રહીશ શ્રેયસને ફોન કરીને તેને કારમાં સાથે લઇ જવા ફોન કર્યો હતો. ત્યારે શ્રેયસે કહ્યું હતું કે,હોટલના કમ્પાઉન્ડમાં મોપેડ મૂકી દેજો પરંતું રજનીકાંતે કહ્યું કે, કાર પાછળ ટોચન કરીને લઇ જજો, હું મોપેડ ડુંગરી ઓવર બ્રિજ પાસે મુકી દઇશ તેમ કહેતાં શ્રેયસે કારમાં બેઠેલા તેના અન્ય ત્રણ મિત્રો સાથે આવી પહોંચ્યો હતો અને રજનીકાંતની મોપેડને પોતાની કારની ચાદરથી પાછળ બાંધી મોપેડ ટોચન કરી હતી.
ત્યારબાદ મોપેડ પર રજનીકાંત બેઠા હતા અને રાત્રે 9.30ના સુમારે ડુંગરી બાયપાસ રોડ નજીકથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે પાછળથી એક ટ્રકનાં ચાલકે ધસી આવી મોપેડ ચાલકને ટક્કર મારી તેના પર ગાડી ચઢાવી દેતા રજનીકાંતનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ટ્રક ચાલક વિકાસકુમાર પ્રસાદ (રહે.આઝમગઢ, યુપી)નાં વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500