દમણનાં કચીગામ સ્થિત કલાસિક ઇન્ડસ્ટ્રિઝની સામે સાંજે ચારેક વાગ્યાનાં અરસામાં વીજ સપ્લાયનો જીવંત તાર તૂટીને રીક્ષા ઉપર પડતાં વીજ કરંટથી ચાલકનું સ્થળ ઉપર જ મોત થયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કચીગામ સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આવેલા કલાસિક કંપનીની સામે રીક્ષા ચાલક જઇ રહ્યો હતો. તે સમયે ચાલુ રીક્ષાએ ઉપરથી પસાર થતી વીજ લાઇનનો જીવંત તાર તૂટીને તેમની રીક્ષા ઉપર પડતાં ચાલકનું સ્થળ ઉપર જ મોત થયું હતું.
જયારે મૃતક રીક્ષા ચાલકની ઓળખ હરિશ રતિલાલ હળપતિ (ઉ.વ.52, રહે.ચલા-વાપી) તરીકે થઇ હતી. બનાવ અંગે દમણ પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સંઘપ્રદેશમાં પાવર સપ્લાયની કામગીરી કરતી ટોરેન્ટ પાવર કંપની દ્વારા પ્રીમોન્સૂન કામગીરી ન કરાતા આ બનાવ બન્યો હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે. સંઘપ્રદેશમાં ખાનગી કંપની દ્વારા પાવર ડિસ્ટ્રબ્યુશન કરવામાં આવી રહ્યું છે.
જોકે, કંપની દ્વારા ચોમાસા પૂર્વે ઝાડ અને વીજ વાયરોની મરામત થવી જોઇએ એ કરવામાં આવી ન હોવાનું સંભળાય રહ્યું છે. આ સંજોગમાં કેબલ તૂટવાથી રીક્ષા ચાલકનાં મોતના કેસમાં કંપની સંચાલકો સામે ગંભીર બેદરકારી બદલ મોતને જવાબદાર ગણીને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500