વલસાડ ધરમપુર ચોકડી પરથી પોલીસે મહારાષ્ટ્રથી અમદાવાદ પાટણ તરફ જતા વાસણનાં પાર્સલો ભરીને જઇ રહેલી એક ટ્રકને ઝડપી પાડી ચાલક અને કલિનરની ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર, વલસાડ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસે મહારાષ્ટ્રના દહિસરથી એક ટ્રક દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ રવાના થઇ રહી છે તેવી બાતમી મળી હતી. જોકે પોલીસે એલર્ટ થઇ વલસાડ ધરમપુર ચોકડી હાઇવે પર વોચ ગોઠવતાં બાતમીવાળી ટ્રકને ટ્રાફિક બ્લોક કરી રોકવામાં આવી હતી.
જેના ચાલક વનરાજ હિરા મકવાણા (ઉ.28, રહે.ભીલવણ,તા.પાટણ) અને કલિનર અહમદ મુસ્તુફા બાદરપુરા (રહે.ભીલવણ) નાઓની પુછપરછ કરી ટ્રકની તાડપત્રી ખોલી ઝડતી લેતાં વાસણનાં સામાનના પાર્સલોની આડમાં 651 નંગ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ પૂછપરચ કરવામાં આવતાં આ જથ્થો ટ્રકના શેઠ હારિશ માધિયા અને મહમદ ઉમર માધિયા (બંને રહે. ભીલવણ, તા.પાટણ) નાઓએ મહારાષ્ટ્રનાં દહીસરના કામન ગામેથી એક ઇસમ દ્વારા ભરાવ્યો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. જોકે પોલીસે ચાલક અને ક્લીનરની ધરપકડ કરી દારૂની કિંમત રૂપિયા 2.35 લાખ, વાસણના પાર્સલો રૂપિયા 9.90 લાખ અને ટ્રક કિંમત રૂપિયા 8 લાખ સહિત કુલ રૂપિયા 20.35 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500