Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Investigation : ચાર શખ્સોએ મંદિરનાં પૂજારીનું અપહરણ કરી મારમારી ફરાર, પોલીસ તપાસ શરૂ

  • September 22, 2022 

વલસાડનાં કપરાડા તાલુકાનાં કાકડકોપર ગામે મંદિરમાં પૂજા અર્ચના કરતા પૂજારીનું 4 જેટલા બુકાનીધારીઓએ અપહરણ કરી વાપી નજીક આવેલ કરમબેલા ગામ ખાતે લાવી મારમાર્યો હતો. જોકે મારના કારણે ઇજાગ્રસ્ત બનેલ પુજારીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કાકડકોપર ગામમાં રહેતા અને મહાદેવનાં મંદિરમાં પૂજા અર્ચના કરી ગુજરાન ચલાવતા ભગત રીતેશ બાબુભાઇ અંધેરનું મંગળવારે નાનાપોંઢા-વાપી હાઇવે ઉપરથી 4 ઇસમોએ ઇકો કારમાં અપહરણ કરી લઈ જતા પંથકમાં ચકચાર મચી હતી.




જોકે પૂજારી સવારે ઘરેથી ચા પીવા માટે નીકળ્યા હતા ત્યારે કાકડકોપર ગામે વિમલ ગુટખા ફેકટરીની સામે પોતાની કાર નંબર GJ/15/CB/5869માંથી ઉતર્યા તે દરમિયાન 4 થી 5 અજાણ્યા બુકાનીધારી ઈસમોએ રિતેશભાઈ બાબુભાઈ અંધેરને ધક્કો મારી જમીન પર પાડી દઈ તેને ઊંચકીને ઇકો કારમા અપહરણ કરી લઈ ગયા હતાં.




જયારે પૂજારી રીતેશભાઈનું અપહરણ કરનારા બુકાનીધારીઓ તેને વાપી નજીક આવેલ કરમબેલા ગામ ખાતે લાવ્યા હતાં. જ્યાં તેને ઢીકામુક્કીનો માર મારી ઇજાગ્રસ્ત કરી ભાગી છૂટ્યા હતાં. ઘટના અંગે પૂજારીના પત્નીને જાણકારી મળતા તેમણે નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને લઈ નાનાપોંઢા કપરાડા પોલીસ સ્ટેશનમાં ઉપરાંત અન્ય પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી.




જેથી આજુ-બાજુનાં વિસ્તારમાં પોલીસે બાતમીદારોની એલર્ટ કરી શકમંદ ઇસમોની બાતમી મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે રિતેશ ભગતે તેમની પત્નીને ફોન કરી તે વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જણાવ્યું હતું. જેથી તેમના પત્ની અને અન્ય સગાસંબંધીઓએ પોલીસને જાણકારી આપી હોસ્પિટલે પહોંચ્યા હતાં.




જેથી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા રિતેશ અંધેરે જણાવ્યું હતું કે, તેમનું અપહરણ કરનારા લોકોને તેઓ ઓળખતા નથી. તેઓ અજાણ્યા હતા અને તેમને મારમારી નાસી છૂટ્યા હતાં. જે બાદ પોતે ઘાયલ અવસ્થામાં નેશનલ હાઇવે નંબર-48 પર આવી ત્યાંથી રાત્રીનાં સમયે એક રિક્ષામાં વાપીની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. તેમણે એવું પણ જણાવ્યું છે કે, તેમની કોઈ સાથે કોઈ દુશ્મની નથી. એટલે તેનું અપહરણ કરી મારનારા લોકો અંગે તે અજાણ છે. બનાવ અંગે પોલીસે રિતેશભાઈનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application