વાપીનાં ડુંગરા વિસ્તારમાં એક ચાલીમાં આજુ-બાજુમાં રહેતા બે યુવકો વચ્ચે બાળકોનાં રમવા મુદ્દે બોલાચાલી થતાં પાડોશીએ બીજા યુવકનાં માથામાં લાકડાથી ફટકો મારતા ગંભીર હાલતમાં તે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં ડુંગરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, વાપીનાં ડુંગરા વિસ્તારમાં આવેલ યુનિક નગર ખાતે ગુપ્તાની ચાલીમાં રૂમ નંબર-26માં રહેતા ધનોજ દ્વારિકા પ્રસાદ (ઉ.વ.33, મુળ UP) મજૂરી કામ કરી ઘર ગુજરાન ચલાવતા હતા.
જોકે રવિવારનાં રોજ પત્ની અને બાળક સાથે ઘરે હાજર હતા. ત્યારે તેમનો બાળક ચાલીના અન્ય બાળકો સાથે ઘર સામે રમી રહ્યો હતો. તે સમયે રૂમ નંબર-28માં રહેતો મુન્ના લીંગરાજ મિશ્રા (ઉ.વ.30) ઘર બહાર નીકળ્યો હતો અને બાળકો ઉપર ગુસ્સે થઇ ત્યાં રમવા માટે બાળકોને ના પાડી હતી. ત્યારબાદ ધનોજ પણ ઘર બહાર નીકળ્યો હતો. આરોપી મુન્નાએ ધનોજ સાથે બોલાચાલી કરી જણાવેલ કે, તારા બાળકો અહીં બબાલ કરે છે અને તેમ કહી આક્રોશમાં તેણે ધનોજના માથામાં લાકડાથી બે-ત્રણ ફટકા મારતા લોહીલુહાણ હાલતમાં તે નીચે જમીન પર પટકાયો હતો અને સારવાર માટે સેલવાસની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જયારે યુવકને મારમારી આરોપી સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો. જ્યારે સેલવાસ સિવિલ હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્ત ધનોજનું સારવાર દરમિયાન મંગળવારે મોત થયું હતું. બનાવ અંગે હોસ્પિટલે પોલીસને જાણ કરતા ડુંગરા પોલીસે આરોપી મુન્ના સામે હત્યાનો ગુનો નોંધી તેને પકડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે બાળકોનાં રમવા મુદ્દે ઉશ્કેરાયેલા પાડોશીએ બાજુનાં મકાનમાં રહેતા યુવકને લાકડાનો ફટકો મારતા તે મોતને ભેટ્યો હતો જેથી પોલીસે ફટકો મારી ફરાર થનાર આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500