કચ્છનાં ભૂજથી ખાતર ભરીને વલસાડનાં કલવાડાની એક એજન્સીમાં ખાલી કરવા ઉપરથી તાડપત્રી ખસેડવા ચઢેલા ટ્રક ચાલકનું વિજ લાઇનનાં સંપર્કમાં આવવાથી કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે રૂરલ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. મળતી માહિતી મુજબ, કચ્છ જિલ્લાનાં ભૂજથી ખાતરનો જથ્થો ભરીને ટ્રક ચાલક અકબર ગની શમા (ઉ.વ.19)નાને શનિવારે વલસાડના કલવાડા ગામે આવવા નીકળ્યો હતો.
આ ખાતરનો જથ્થો કલવાડા ગામે આવેલી ગાયત્રી કૃપા એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને પહોંચાડવાનો હતો. જેથી શનિવારે ટ્રક ચાલક અકબર કલવાડા આવી પહોંચી એજન્સી સામે ટ્રક પાર્ક કરી હતી. ત્યારબાદ ખાતર ખાલી કરવા માટે ટ્રકની ઉપર ઓઢાડેલી તાડપત્રી કાઢવા અકબર શમા ચઢ્યો હતો. ટ્રક પરથી તાડપત્રી કાઢતી વેળા અકસ્માતે ઉપરથી પસાર થતી જીવંત વિજ લાઇનનાં સંપર્કમાં આવી જતાં કરંટ લાગતા જ ટ્રક પર જ ઢળી પડ્યો હતો.
જયારે કરન્ટથી ગંભીર ઇજા પહોંચતા ટ્રક ચાલકનું ટ્રકની ઉપર જ મોત થયું હતું. જેના પગલે દોડભાગ મચી જતાં ચાલકને 108ની મદદથી નજીકનાં અટગામ ખાતે પીએચસીમાં લઇ જવાતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે રૂરલ પોલીસ મથકને જાણ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધારી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500