વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણનાં કચી ગામથી વાપીને જોડતા માર્ગ પર કાર, રીક્ષા અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જોકે આ અકસ્માત થતાં સ્થાનિક લોકો અને વાહન ચાલકો ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. જયારે અકસ્માતમાં ઇજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. ઘટના અંગે દમણ પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાપીનો એક વ્યક્તિ પોતાના મિત્રો સાથે પોતાની કાર નંબર GJ/15/CK/9666 લઈને દમણ ફરવા આવ્યો હતો.
ત્યારબાદ દમણથી વાપી પરત ફરતી વખતે કચી ગામનાં ગિરીશ બારથી આગળનાં માર્ગ પર અચાનક કાર ચાલકે કારનાં સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર જતી એક રીક્ષા નંબર GJ/15/XX/1413 અને બાઈક સાથે ટકરાઈ હતી. જેમાં ત્રણેય વાહનોનાં ચાલકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને અકસ્માત થતા સ્થાનિક લોકો ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. જયારે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કાર ચાલક પીધેલી હાલતમાં હોય આ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે દમણની મરવડ અને વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડયા હતા, જેમાં હાલ એક વ્યક્તિની હાલત ખુબ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું, અકસ્માતમાં ત્રણેય વાહનોને ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ દમણ પોલીસને થતા દમણ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાફિકને નડતર રૂપ વાહનો દૂર કરવી ખાનગી તથા સરકારી CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500