પારડી દમણીઝાંપા ખાતે રહેતી એક પરિણીત મહિલાએ સાસરીયાઓના ત્રાસથી કંટાળી પોતાના બે બાળકો સાથે વેલપરવા જતા રોડ પર આવેલી કોથર ખાડીનાં બ્રિજ પર ખાડીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે સદ્દનસીબે આ દ્દશ્ય નજીકમાં માછલી પકડતા અને બ્રિજ પરથી પસાર થતાં રાહદારીઓ ખાડીમાં કૂદી ત્રણેયને ડૂબતા બચાવી લઇ બહાર કાઢી પોલીસને જાણ કરી હતી.
બનાવની વિગત એવી છે કે, પારડી દમણીઝાંપા શિવ નગર ખાતે રહેતી પુનમબેન નિતેશભાઈ પ્રજાપતિ નામની પરિણત મહિલાએ ગતરોજ તેના 2 અને 3 વર્ષની ઉંમરનાં બાળકો સાથે વેલપરવા રોડ પર આવેલી કોથર ખાડીનાં બ્રિજ પહોંચી હતી. જોકે મહિલાએ પહેલા તેના બે માસૂમ બાળકોને બ્રિજ પરથી ખાડીનાં પાણીમાં નાખી દીધા બાદ પોતે પણ બ્રિજ પરથી ખાડીનાં પાણીમાં ઝંપલાવી દીધુ હતું. સદ્દનસીબે આ દ્દશ્ય નજીકમાં માછલી પકડતા લોકો અને બ્રિજ પરથી પસાર થતાં રાહદારીએ આ જોતા તાત્કાલિક ત્રણેયને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા હતા અને ત્રણેયને હેમખેમ બચાવી બહાર લઈ કાઢતા.
આમ બે બાળકો અને પરિણીતાનો બચાવ થયો હતો. બનાવ અંગે બચાવનારા લોકોએ પોલીસને જાણ કરાતા પારડી પોલીસ સ્થળ પર પહોચી ગઇ હતી. જયારે એકત્ર થયેલ લોકોએ પૂછપરછ કરતા પરિણીતાએ તેના સાસરિયાંના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યુ હતું. પારડી પોલીસ પણ આ મહિલાની પૂછપરછ હાથ ધરી તેના પરિવારજનોને પોલીસ મથકે તેડાવવામાં આવ્યા હતા. પરિણીતાના નિવેદનના આધારે પોલીસે સાસરીયાઓ સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ હતું. જોકે, મહિલાએ પારડી પોલીસ સ્ટેશનમાં પોતાના સાસરીયા વિરૂદ્ધ કોઇપણ જાતની ફરિયાદ આપવાનો ઇન્કાર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500