વલસાડમાં કપરાડા તાલુકાનાં વડોલી ગામે ગામના જ ચાર ઇસમોએ એક યુવક ઉપર જમીનના ઝઘડાની અદાવત રાખીને હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને ગંભીર ઇજા પહોંચતા ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કપરાડાનાં વડોલી ગામે સીમખડક ફળિયામાં રહેતા ધવળુભાઇ દેવુભાઇ ભોવર રવિવારનાં રોજ સવારે સુથારપાડામાં આદિવાસી સમાજના કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહ્યા હતા.
તે દરમિયાન ફળિયામાં જ રહેતા યશવંત જિવલાભાઇ ખરડા, તુકારામ યશવંતભાઇ ખરડા, ભગવાન યશવંતભાઇ ખરડા અને વિશાલ યશવંત ખરડાએ ધવળુભાઇને રસ્તામાં રોકીને જમીનના મુદ્દે ઝઘડો અને બોલાચાલી કરીને મારવાનું શરૂ કર્યુ હતું. જયારે ચારેયએ વાંસના ડાંડા અને પથ્થરથી હુમલો કરતા ધવળુંભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જોકે, ફળિયાના લોકો દોડી આવતા ઝઘડો બંધ થયો હતો અને તમામ ત્યાંથી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત ધવળુભાઇને હાલ ધરમપુરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને બનાવ અંગે ચાર આરોપી સામે પોલીસમાં ફરિયાદ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500