વાપીનાં સુલપડથી એક સગીરાને ભગાડી લઇ જઇ સગીરા સાથે દુષ્કર્મ ગુજારીને આરોપીએ તેને છોડી દેતા સગીરા પરત વાપી આવી હતી. ત્યારબાદ પોલીસે મેડિકલ તપાસ કરતા તેની સાથે દુષ્કર્મ હોવાનું બહાર આવતા અપહરણ બાદ દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાપીનાં સુલપડ વિસ્તારમાં રહેતી એક 14 વર્ષીય સગીરા ગત તા.8 જુલાઇના રોજ ઘરેથી અચાનક ગુમ થઇ જતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી.
જોકે તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગીતાનગર વિસ્તારમાં રહેતો રામધારી બલવંતસિંહ યાદવ તેને લગ્નની લાલચ આપી ભગાડીને લઇ ગયો છે. જેથી આ અંગે પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ત્યારબાદ ગુમ સગીરા પરત ઘરે આવી જતા આ અંગે પોલીસમાં જાણ કરાઇ હતી. પોલીસે સગીરાનું મેડિકલ તપાસ કરાવતા તેની સાથે અવાર-નવાર નરાધમે દુષ્કર્મ ગુજાર્યા હોવાનું બહાર આવ્યું હતું. જયારે સગીરાને ઉત્તરપ્રદેશ ખાતે ભગાડી લઇ જઇ તેની સાથે દુષ્કર્મ ગુજારનારા આરોપી સામે પોલીસે અપહરણની સાથે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જયારે આરોપી રામધારી યાદવ (રહે.ગીતાનગ, મુળ રહે.જીલ્લા ભદોહી ઉત્તર પ્રદેશ) નાએ અગાઉ સગીરાનાં મહોલ્લામાં સુલપડ ખાતે રહેતો હતો. તે દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. જે બાદ તે ગીતાનગરમાં રહેવા આવ્યો હતો અને તેને ભગાડી ગયો હતો. અપહરણનો ગુનો નોંધાતા યુપીથી તેની માતા સગીરાને ટ્રેનમાં સુરત સુધી છોડી ગઇ હતી. જ્યાંથી સગીરા બસમાં બેસી વાપી આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500