વલસાડ રેલવે વિભાગમાં ફરજ બજાવતા 2 ટ્રેક મેન વલસાડથી ડુંગરી વચ્ચે રેલવે લાઈન ઉપર છેલ્લા 6 વર્ષથી ડ્યુટી કરી રહ્યા હતા. જોકે આ દરમિયાન કાપરી રેલવે ફાટક પાસે મુંબઈ તરફ જતી જયપુર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતા બંનેનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે જયપુર એક્સપ્રેસ ટ્રેનનાં પાયલોટ કંટ્રોલ રૂમ મારફતે રેલવે વિભાગને જાણ કરી હતી.
ઘટનાની જાણ ડુંગરી પોલીસ અને GRPની ટીમને થતા બંને પોલીસની ટીમોએ કાપરી ફાટક પાસે પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ રેલવે વિભાગમાં છેલ્લા 6 વર્ષથી ટ્રેકમેન તરીકે ફરજ બજાવતા 31 વર્ષીય બીપીન જીતેન્દ્ર પ્રસાદ અને 25 વર્ષીય હિરેન મંગુ પટેલ જેઓ બંને ડુંગરી અને સરોધી વચ્ચે ટ્રેક ઉપર નાઈટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
તે દરમિયાન ડુંગરી નજીક કાપરી ફાટક પાસે રેલવે કિમિ નં.205 પાસે અપ રેલવે લાઇન ઉપર પસાર થતી મુંબઈ તરફ જતી જયપુર સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી ગયા હતા અને બંને લાઈન મેનના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જોકે ઘટનાની જાણ જયપુર એક્સપ્રેસ ટ્રેનના પાયલોટે રેલવે કંટ્રોલ રૂમને કરી હતી.
જેથી ડુંગરીના સ્ટેશન માસ્તરે ડુંગરી પોલીસ તથા GRPની ટીમને ઘટનાની જાણ કરી હતી. ડુંગરી પોલીસ અને GRPની ટીમે સાથે મળીને ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ડુંગરી પોલીસે લાશનો કબ્જો મેળવી ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500