વડોદરાના વ્યાજખોર પિતા-પુત્ર રક્ષેશ ત્રિવેદી અને પ્રણવ ત્રિવેદી (રહે-એન્ટીકા ગ્રીનવુડ સોસાયટી, સેવાસી) ના વ્યાજના વીષચક્રમાં ફસાયેલ વધુ એક વેપારીએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવી છે. વેપારીએ 83.14 લાખની રકમ સામે વધુ વ્યાજ અને પેનલ્ટી સાથે 1.44 કરોડ ઉપરાંતની રકમ ચૂકવી હોવા છતાં વધુ 15 લાખની માંગણી સાથે મિલકત પચાવવાના પ્રયાસ અંગે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા કૌસ્તુભ શિર્કે હાલ ઇન્દોર મેડિફેક્સ યુનિવર્સિટી ખાતે પ્રોગ્રામર તરીકે ફરજ બજાવે છે.અગાઉ તેઓ વડોદરામાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા હતા. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, વર્ષ 2016 માં કન્સ્ટ્રક્શનના વેપારમાં નાણાંની જરૂરિયાત ઉદભવતા રાવપુરા વિસ્તારમાં આવેલ ઓમ એન્ટરપ્રાઇઝના સંચાલકોનો સંપર્ક સાંધ્યો હતો. 90 હજારની રકમ માંગતા દોઢ ટકા વ્યાજે 1.06 લાખ રોકડા આપ્યા હતા. સાથે તેટલી જ રકમ ચેકથી પણ મારા ખાતામાં જમા કરી હતી. અને કહ્યું હતું કે ચેક ની રકમ મને ઉપાડી પરત કરી દેજો. અમારા ફાઇનાન્સનો નિયમ છે. ટુકડે ટુકડે નાણા લેતા સમયે સિક્યુરિટી પેટે પ્રોમિસરી નોટ, સો રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખાણ, તથા 65 કોરા ચેક લીધા હતા. સંચાલકો દોઢ ટકાના સ્થાને 6 ટકાથી વધુ લેખે વ્યાજ વસૂલતા હતા.
વર્ષ 2016 થી 2018 દરમિયાન અલગ અલગ સમયે ટુકડે ટુકડે 83.14 વ્યાજથી લીધા હતા. જેની સામે ચેક તથા રોકડેથી કુલ રૂ.1.44 કરોડની રકમ ચૂકવવા છતાં વધુ 15 લાખની રકમ બાકી કાઢી ધમકાવે છે. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે પિતા પુત્ર વિરૂધ્ધ નાણા ધીરધાર અધિનિયમ, ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500