વડોદરા શહેરના ભરચક સીટી વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. મહેતાપોળમાં આવેલ ફ્લેટમાં વિધવા શિક્ષિકા પિયર જતા બારી વાટે ત્રાટકેલ અજાણ્યો તસ્કર તિજોરીના લોકર માંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત કુલ 1.67 લાખની મત્તા ચોરી ફરાર થઈ જતા ફરિયાદનાં આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, સીટી વિસ્તારમાં આવેલ મહેતાપોળ ખાતે રહેતા સેજલબેન ભટ્ટ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ આવે છે. જોકે ગત તા.18 મેના રોજ તેઓ પોતાના મકાનને લોક કરી સંતાનો સાથે પિયરમાં ગયા હતા.
જ્યાંથી તારીખ 20 મેના રોજ પરત ફરી ફલેટના મુખ્ય દરવાજાનું લોક ખોલી રાબેતા મુજબ કામ કરતા હતા. તે સમયે તિજોરીની અંદરનું લોકર તુટેલ જણાઈ આવ્યું હતું અને સોના ચાંદીના દાગીના પૈકી કેટલાક દાગીના ચોરી થયાનું બહાર આવ્યું હતું. જેમાં સોનાની બે ચેન, સોનાની બે લકી, સોનાની કાનની શેર, સોનાની બુટ્ટી ,સોનાની વીંટી ,ચાંદીના છડા, ચાંદીનો કંદોરો, ચાંદીનું બ્રેસલેટ, રોકડા રૂ. 20 હજાર સહિત કુલ રૂપિયા 1,67,500/-ની મતાનો સમાવેશ થાય છે. જયારે અજાણ્યો તસ્કર ફ્લેટની સ્લાઇડર બારી વાટે ઘરમાં પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500