વડોદરા શહેર પોલીસમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા મકરપુરા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન.મહિડા અગાઉ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન અને ડેપ્યુટી મેયરની હાજરીમાં ગેરકાયદેસર દબાણોનો સર્વે કરવા ગયેલી ટીમ ઉપર હુમલાનો પ્રયાસ થયો હતો.
ત્યારબાદ માથાભારે તત્વો સામે પગલાં લેવામાં કાર્યવાહક પોલીસે ઢીલી નીતિ રાખતા વિવાદ થયો હતો. શહેર પોલીસ કમિશનર ડો.સમશેર સિંહે કારેલીબાગ PIની ટ્રાફિકમાં બદલી કરી હતી. જ્યારે વડોદરા પોલીસના ઇતિહાસમાં પહેલીવાર આખા પોલીસ સ્ટેશનના સ્ટાફની સાગમટે બદલી પણ કરી હતી.
જયારે થોડા સમય પહેલા PI મહિડાને મકરપુરા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ પણ બે થી ત્રણ કિસ્સામાં વિવાદ થયો હતો. બે દિવસ પહેલા મકરપુરા પોલીસના બે જવાનો બુટલેગર પાસે રૂપિયા લેતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો.
જેથી ગતરોજ PCBએ બુટલેગર પ્રવીણ લાલાને ત્યાં રેડ પાડી બે કાર તેમજ દારૂના જથ્થા સાથે 9 લાખની મતાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેથી શહેર પોલીસ કમિશનરે PIને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500