વાઘોડિયા હાલોલ વડોદરા રોડ પર સાંજનાં સમયે હાલોલથી વડોદરા તરફ આવતી ફોર્ડ કંપનીની કારમાં 5 લોકો સવાર થઈ વડોદરા તરફ આવતી હતી. તે વાઘોડિયાનાં ખંડીવાડા પાટીયા પાસેથી પસાર થતાં અચાનક કાર ચાલક યોગેન્દ્ર સિંહ કેસરીસિંહ શેખાવત (ઉ.વ.26, રહે.તરસાલી,વડોદરા)નો સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર કૂદી રોડની બીજી સાઈડ વડોદરા હાલોલ રોડ પર આવતા આઇસર ટેમ્પોમાં ધડાકાભેર અથડાઈ રોડ પર ત્રણથી ચાર પલટી મારી ડિવાઇડર પાસે અટકી હતી.
જોકે આ અકસ્માતનો જોરદાર અવાજ સાંભળી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલ લોકોને બચાવવા કામગીરી શરૂ કરી હતી તેમજ અકસ્માતમાં કારનો ખૂરદો બોલાતા બચાવ કામગીરીમાં વિલંબ સર્જાયો હતો. કાર ચાલક યોગેન્દ્રસિંહ શેખાવત સહિત કરિશ્માબેન ઠાકોર (રહે.તરસાલી,વડોદર) જીવલેણ ગંભીર ઇજાનાં કારણે ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા.
જયારે કારમાં અન્ય સવાર સોનિયા પરેશ વ્યાસ (રહે.હાલોલ) શીતલ લાલસીંગ ડામોર (રહે.હાલોલ) અને સુફિયાન શેખ (રહે.હાલોલ) તમામને 108ની સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, ત્યાં કારની અડફેટે આવેલ આઈસર ટેમ્પોનાં ચાલકને અકસ્માતમાં ઇજાઓ પહોંચતાં તેને પણ સારવાર અર્થે દાખલ કરાયો હતો.
કારમાં સવાર ઘાયલો પૈકી એકની હાલત ખૂબ નાજુક હોવાથી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડ્યા હતા. અકસ્માતના પગલે વડોદરા હાલોલ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ જરોદ પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જયારે કારનું ટાયર ફાટતાં કાર બેકાબૂ બની આઇસર ટેમ્પો સાથે ટકરાતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500