નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સુપ્રસિધ્ધ યાત્રાધામ ઉનાઇ ખાતે ઉનાઇ માતાના પાટોત્સવની ઉજવણી નિમિત્તે રાજય સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉનાઇ માતાજીના મંદિરના પરિસરમાં ઉનાઇ મહોત્સવ-2023નો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે વલસાડના સાંસદ ડૉ. કે.સી.પટેલ, નવસારીના કલેકટર અમિત પ્રકાશ યાદવ તથા મહાનુભવોએ દીપ પ્રગટાવી મહોત્સવનો શુભારંભ કર્યો હતો. ઉનાઇ મહોત્સવ પ્રસંગે વલસાડના સાંસદ ડૉ.કે.સી.પટેલે જણાવ્યું હતું કે, અહીંના વિસ્તારના લોકો તથા આપણા આદિજાતિના ભાઇ-બહેનોને ઉનાઇ માતામાં અનેરી શ્રધ્ધા છે.
આ ઐતિહાસિક મંદિર ખાતે આપણા સાંસ્કૃતિક વારસાના જતન અર્થે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉનાઇ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી, જે આપણા સો માટે ગર્વની વાત છે. બે-દિવસીય ઉનાઇ મહોત્સવ એ ઐતિહાસિક ધરોહરના સાંસ્કૃતિક વારસાના જતન માટેનો ગુજરાત સરકારનો સ્તુત્ય પ્રયાસ છે. ઉનાઇ મહોત્સવમાં ગુજરાત ગૌરવ પુરસ્કૃત ભરત બારિયાએ રજૂ કરેલ ઉનાઇ માતાજીની આરતી, મહિષાસુર મર્દની નૃત્ય, શિવ તાંડવ નૃત્ય તથા લોક ડાયરાનો ભક્તજનોએ દિવ્ય નજારો માણ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500