ઉધનાનાં પાંડેસરા વિસ્તારમાં એક વિદ્યાર્થી બસમાં ચડતી સમયે પગ લપસતાં પટકાયો હતો અને તેની ઉપરથી સીટી બસ હંકારી દેવાઈ હતી જેથી યુવકને ગંભીર ઇજા બાદ મોત થયું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રવર્તી ઊઠ્યો હતો, જેથી રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થર મારો કર્યો હતો. જ્યારે બસ ચાલક લોકોનાં ગુસ્સાને જોઈ બસ મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાંડેસરા તેરેનામ ચોકડી પાસે ધોરણ-12માં ભણતો વિદ્યાર્થી અકસ્માતનો ભોગ બન્યો હતો. જેમાં વિદ્યાર્થી વિનશ મૌર્ય ટ્યૂશનથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે સમયે પાંડેસરાનાં તેરેનામ ચોકડી પાસે મહાનગરપાલિકાની સીટી બસની રાહ જોઈ રહ્યો હતો. સિટી બસ આવતાં તે બસમાં ચડવા જ ગયો અને પગ લપસી જતાં તે નીચે પડકાયો હતો. જોકે બસ ચાલકે કંઈપણ જોયા વગર બસને હંકારી દીધી હતી. જેથી નીચે પટકાયેલ વિનસનાં પગ પરથી બસ ફરી મળી હતી અને તેને કચડી નાખ્યો હતો.
ઘટનાને પગલે આસપાસથી તમામ લોકો એકત્ર થઈ ગયા હતા. ત્યારબાદ 108ને બોલાવી વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે ઘટનાને પગલે લોકોમાં ભારોભાર રોષ પ્રવર્તી ઊઠતાં લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો અને બસમાં તોડફોડ કરી હતી. લોકોના ગુસ્સાને જોઈ બસ ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે વિદ્યાર્થી વિશન મૌર્યને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી તરફ ઘટનાને પગલે પાંડેસરા તેરેનામ ચોકડી ખાતે લોકો ભારે ધમાલ મચાવી રહ્યા હતા, જેની જાણ થતાં પાંડેસરા પોલીસે ઘટનાઓ સ્થળે પહોંચી આવી સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો. જોકે વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થઈ જતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. બનાવ અંગે પોલીસે સીટી બસનાં ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં પરિવારે વિશનનો મૃતદેહ સ્વીકાર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500