આસામમાં બાળ લગ્ન સામે સરકારે સમગ્ર રાજ્યમાં આકરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે પણ લોકો બાળ લગ્ન પ્રતિબંધિત કાયદાનો ભંગ કરી રહ્યા છે તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. આસામનાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સર્માએ જણાવ્યું હતું કે, બાળ લગ્નો સાથે જોડાયેલા આશરે બે હજાર જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય સરકારે કહ્યું છે કે, બાળ લગ્નોને સહેજ પણ નહીં ચલાવી લઇએ. આ સાથે જ આસામમાં 14 વર્ષથી ઓછી વયની કિશોરીની સાથે લગ્ન કે નિકાહ કરનારા સામે પણ પોક્સો કાયદો લાગુ કરવામાં આવશે.
જેથી આ મામલે વિવાદની શક્યતાઓ છે. આસામના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે પોલીસને આદેશ આપ્યો છે કે બાળ લગ્નોને કોઇ પણ સંજોગોમાં અટકાવવામાં આવે. બાળ લગ્નોનો ભોગ સૌથી વધુ બાળકીઓ બની રહી છે. તેમના જીવન સાથે ચેડા કરનારાઓને અમે છોડીશું નહીં. આસામમાં છેલ્લા 15 દિવસમાં બાળ લગ્નો સામેના ચાર હજારથી પણ વધુ કેસો નોંધાયા છે. જેની પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આરોપીઓ પછી માતા પિતા હોય તો પણ તેમની ધરપકડના આદેશ આપવામાં આવ્યા છે.
આસામ સરકારે આદેશ આપ્યો છે કે, જો રાજ્યમાં કોઇ પુરુષ 14 વર્ષથી ઓછી વયની કિશોરીની સાથે લગ્ન કે નિકાહ કરશે તો તેની સામે પોક્સો કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને જો કોઇ પુરુષ 14થી 18 વર્ષની વયની કિશોરીની સાથે લગ્ન કે નિકાહ કરશે તો તેની સામે બાળ લગ્ન પ્રતિબંધિત કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
આસામ સરકારે સાથે દાવો કર્યો છે કે, આ સમગ્ર કાર્યવાહીને કોઇએ ધર્મ સાથે ન જોડવી, આ સંપૂર્ણપણે સેક્યૂલર કાર્યવાહી છે જેમાં કોઇ ચોક્કસ ધર્મના લોકોને ટાર્ગેટ નહીં કરવામાં આવે. માત્ર માતા પિતા કે લગ્ન-નિકાહ કરનારા પુરુષો જ નહીં આવા નિકાહ કે લગ્નમાં સામેલ થનારા મૌલવીઓ, પાદરીઓ કે પુજારીની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને તેમની પણ ધરપકડ કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણની રિપોર્ટ મુજબ આસામમાં માતા અને બાળકનો મૃત્યુદર અન્ય રાજ્યો કરતા સૌથી વધુ છે. જેની પાછળનું મુખ્ય કારણ બાળ વિવાહ છે. જેને પગલે સરકારે બાળ લગ્નો કે નિકાહ સામે આકરા પગલા લેવા પોલીસને આદેશ આપ્યા છે. આ માટે મુખ્યમંત્રીએ રાજ્યના DGP જી.પી.સિંહ સાથે બેઠક યોજી હતી, જેમાં આ આદેશ આપવામાં આવ્યા હતા. આસામ સરકારે સ્પષ્ટતા કરી હતી કે બાળ-લગ્ન કે નિકાહને અમાન્ય જાહેર કરવામાં આવશે. એટલે કે તેવા લગ્નોને કોઇ જ કાયદેસર માન્યતા નહીં આપવામાં આવે. સરકારે લોકોને પણ વિનંતી કરી છે કે તેઓ આ મુદ્દે સરકારને સાથ આપે.
નોંધનીય છે કે, પોક્સો કાયદાની જોગવાઇ મુજબ કોઇ સગીરા કે કિશોરીની સાથે શારીરિક સંબંધને બળાત્કાર ગણવામાં આવે છે. પછી આવા શારીરિક સંબંધમાં કિશોરી કે સગીરાની મંજૂરી હોય તો પણ તેને માન્ય નથી રાખવામાં આવતુ, આ મામલે નિરાકરણ લાવવા માટે મુખ્ય ન્યાયાધીશે પણ સરકારને અપીલ કરી છે. જે લોકો આ કાયદાથી અજાણ છે તેઓ પણ તેમાં સજાને પાત્ર ગણવામાં આવે છે. તેથી કેટલાક નિર્દોશ લોકો પણ ફસાઇ શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500