ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનાં એક અધિકારીએ કહ્યું હતું કે, પ્રાચીન નાલંદા યુનિવર્સિટી પાસેનાં તળાવમાંથી લગભગ 1,200 વર્ષ જૂની બે પથ્થરની મૂર્તિઓ મળી આવી હતી. ગૌતમી ભટ્ટાચાર્ય, સુપરિન્ટેન્ડીંગ આર્કિયોલોજિસ્ટ (ASI, પટના સર્કલ) એ જણાવ્યું હતું કે એવા અહેવાલો છે કે, જ્યારે આ વિસ્તારમાં રહેતા ગામવાસીઓને મૂર્તિઓની શોધ વિશે જાણ થઈ, ત્યારે તેમણે આ મૂર્તિઓને રાખવા માટે મંદિર બનાવવાની યોજના શરૂ કરી.
ત્યાં તૈનાત અમારા અધિકારીઓને તે અંગે જાણ થઈ અને તેમણે તરત જ સ્થાનિક પોલીસને માહિતી આપી હતી. અમે તેને નાલંદા મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવા માંગીએ છીએ. મે રાજ્ય સરકારને ઈન્ડિયન ટ્રેઝર ટ્રોવ એક્ટ, 1878ની જોગવાઈઓ હેઠળ આ મૂર્તિઓને તાત્કાલિક સોંપવા વિનંતી કરી છે.
અધિકારીએ કહ્યું હતું કે એવું જોવામાં આવ્યું છે કે, સપાટીની નીચે મળી આવેલી કોઈપણ પ્રાચીન વસ્તુઓ અથવા ખજાનાને સામાન્ય રીતે સ્થાનિક લોકો નજીકના મંદિર અથવા અન્ય ધાર્મિક સ્થળો પર લઈ જાય છે પરંતુ જ્યાર પણ 10 રૂપિયાથી વધુ કિંમતની કોઈપણ પ્રાચીન વસ્તુઓ અથવા કલાકૃતિઓ મળી આવે ત્યારે તે ઈન્ડિયન ટ્રેઝર ટ્રોવ એક્ટ, 1878 મુજબ શોધક દ્વારા નજીકની સરકારી તિજોરીમાં જમા કરાવવી આવશ્યક છે.
સંબંધિત જિલ્લાના કલેક્ટરને સરકાર વતી તિજોરીની માંગણી કરવાની સત્તા છે. ભટ્ટાચાર્યે કહ્યું હતું કે, 'મે પહેલાથી જ રાજ્ય સરકારને પત્ર લખ્યો છે અને સંબંધિત સત્તાવાળાઓને વિનંતી કરી છે કે તેઓ કાયદાની જોગવાઈઓ વિશે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરે, જેથી ખજાનો જિલ્લા વહીવટીતંત્રની સલામત કસ્ટડીમાં જમા કરાવી શકાય.
આ સપ્તાહની શરૂઆતમાં મૂર્તિઓ સરલીચક ગામના તારાસિંહ તળાવમાંથી મળી આવી હતી. એક વર્ષ પહેલા આ તળાવમાંથી પાલ સમયની નાગ દેવીની 1,300 વર્ષ જૂની મૂર્તિ મળી આવી હતી. તેને નાલંદામાં ASI મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવી છે. જોકે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અથવા વહીવટીતંત્ર દ્વારા બંને મૂર્તિઓની વિગતો આપવામાં આવી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500