નવસારી જિલ્લાનાં મરોલી નજીકનાં કોલાસણા ગામ પાસે ત્રિપલ સવારી જઈ રહેલ નવસારીનાં ત્રણ મિત્રોની બાઈક બસ સ્ટેન્ડમાં ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણેય યુવકોનાં ઘટના સ્થળે મોત નિપજયાં હતા. મળતી માહિતી મુજબ, નવસારીનાં જલાલપોર વિસ્તારમાં રહેતા વિકાસ દુબે, અર્જુન બિન્દ અને અંકિત મિશ્રા નામના ત્રણ મિત્રો ગત તારીખ ૨૬નાં રોજ નવસારી- મરોલી નજીકના કોલાસણા ગામ પાસેથી સ્પલેન્ડર બાઈક પર ત્રિપલ સવારી પસાર થતા હતાં.
તે વખતે બાઈક ચાલક વિકાસ દુબેએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઇક કોલાસણા બસ સ્ટેન્ડમાં ધડાકાભેર ભટકાઈ હતી. જેને લઈને ત્રણે યુવકો વિકાસ બચ્ચાપ્રસાદ દુબે (ઉ.વ.૨૦., રહે.હર્ષગંગા સોસાયટી,જલાલપોર, નવસારી), અર્જુન લલ્લનપ્રસાગ બિન્દ (ઉ.વ.૧૮., રહે.પટેલ સોસાયટી,ગાયત્રી નિવાસ,જલાલપોર, નવસારી) અને અંકિત રામગોપાલ મિશ્રા (ઉ.વ.૨૨.,રહે.મિશ્ર શાળા નં.૬ પાસે,પતરા ચાલ, જલાલપોર,નવસારી) રોડ ઉપર ફંગોળાતા ત્રણેને માથા તથા મોઢા અને શરીરનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં. જયારે કોલાસણા ગામ પાસે થયેલ અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણેય યુવકો હિરાનાં કારખાના અને ખાનગી કંપનીમાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે મરોલી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500