મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં વ્યારા પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાંથી નહેરના કિનારેથી ચોરાયેલ પાણી ખેચવાના મશીન તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૩,૩૦,૦૦૦/- સાથે આરોપીઓને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડનાં પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૫/૧૨/૨૦૨૪નાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન એ.એસ.આઈ.ગણપતસિંહ રૂપસિંહ તથા હે.કો.વિનોદભાઈ પ્રતાપભાઈ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, વાલોડ તાલુકાનાં કુંભીયા ગામ સીમાડી ફળીયમાં રહેતા મીન્થન ઉર્ફે જીગર પ્રવિણભાઇ નાયકા અને તેનો મિત્રો એક સફેદ કલરની શેવરોલેટ ક્રુઝ ફોર વ્હીલ કાર નંબર GJ/06/EH/5136માં અમુક ઇસમો ચોરી કરેલ મુદ્દામાલ વેચવા માટે આવે છે. જે મળેલ બાતમીનાં આધારે પનિયારી કોલેજની સામે હાઇવે રોડ ઉપર વોચમાં હતા.
તે દરમિયાન બાતમીવાળી ફોર વ્હીલ કાર આવતાં તેને રોકી લઇ રોડની સાઇડમાં કરી કારમાં ત્રણ ઇસમો બેસેલ મળી આવેલ નામ ઠામ પુછતા વિરલ નાનુભાઈ નાયકા (ઉ.વ.૩૨., રહે.દુવાળાગામ,વડ ફળીયા,ગણદેવી,નવસારી), મીન્થન ઉર્ફે જીગર પ્રવિણભાઇ નાયકા (ઉ.વ.૩૪.,હાલ રહે.કુંભીયા ગામ,સીમાડી ફળિયું,વાલોડ,તાપી, મુળ રહે.એઘલ ગામ, વાંગરી ફળીયુ,ગણદેવી,નવસારી અને કલ્પેશ ભાણાભાઇ નાયકા (ઉ.વ.૨૯., રહે.ચાસા ગામ, તલાવડી ફળીયા,ચીખલી,નવસારી)નાઓને ઝડપી પાડ્યા હતા. તેમજ પોલીસે તેમની કબ્જાની કારમાં તપાસ કરતા કારમાંથી તેમાંથી એક પાણી ખેંચવાનું મશીન મળી આવ્યું હતું.
જે મશીન બાબતે પુછપરછ કરતા જણાવેલ કે, ગત તારીખ ૧૨/૧૧/૨૦૨૪ના રોજ રાત્રીના સમયે આ મોટર ત્રણેય મિત્રોએ મળી ઘેરીયાવાવ ગામ પાસેથી પસાર થતી નહેરનાં કિનારેથી બે મોટા પાણી ખેચવાના મશીન તથા પાંચેક પાણી ખેચવાનાં મશીનનાં પંપ અને એક નાની મોટર તેમજ મશીન ઉપર લગાડેલા વાકિયા પાઇપની ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું. આમ, પકડાયેલ ત્રણયે આરોપીઓનાં કબજામાંથી પાણી ખેંચવાનું જુના જેવું મશીન જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- તથા ચોરીના કામે ઉપયોગમાં કરેલ ગાડી જેની કિંમત રૂપિયા ૩ લાખ અને બે નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા ૩,૩૦,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરી વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા. જયારે વધુમાં આરોપી વિરલ નાયકા વિરુદ્ધ ગણદેવી પોલીસ મથકે ૬ ગુન્હાઓ નોંધાયા છે અને આરોપી કલ્પેશ નાયકા વિરુદ્ધ ગણદેવી પોલીસ મથકે ૨ ગુન્હા નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500