વલસાડ રૂરલ પોલીસે એક કારમાં બનાવેલા ચોરખાના માંથી 173 કિલો ચાંદીનાં પાયલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી ત્રણ શખસની અટકાયત કરી છે. જોકે પોલીસે શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે કાર ભગાડી હતી. પરંતુ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કારને ઝડપી પાડી હતી. કારની તલાશી લેતાં સીટની પાછળનાં ભાગે એક ચોરખાનું બનાવેલું મળ્યું હતું. જેની તલાશી લેતાં એમાંથી 46 પ્લાસ્ટિકની બેગ મળી હતી. એમાં ચાંદીનાં પાયલ હતા એનું વજન 173 કિલો ગ્રામ અને કિંમત અંદાજે એક કરોડ રૂપિયાથી વધારે થાય છે.
જયારે વધુમાં જાણવા મળ્યું હતું કે, આ દાગીનાનો જથ્થો કોલ્હાપુરથી ઉદયપુર લઈ જવામાં આવી રહ્યા હતા પરંતુ વલસાડ રૂરલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ કાર વલસાડ પાસેથી પસાર થતાં પોલીસે શંકાસ્પદ લાગતી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે કાર રોકવાના બદલે ભગાડી મૂકી હતી. જેથી પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરી ધમડાચી રામદેવ ધાબા પાસે આંતરી હતી. પોલીસને જોઈ કાર ચાલકે કાર ભગાડતાં કારમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની શંકા પ્રબળ બની હતી.
શરૂઆતમાં તો પોલીસને કારમાં કંઈ દેખાયું ન હતું પરંતુ સીટની પાછળ ચેક કરતાં એક લોકવાળું ચોરખાનું બનાવેલું જોવા મળ્યું હતું અને તે ખોલાવતાં એમાંથી એક બાદ એક 46 પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી, જેમાં ચાંદીનાં પાયલ હતાં. પોલીસે આ દાગીનાનું બિલ માગતાં કારમાં સવાર લોકો રજૂ કરી શક્યા નહોતા. પોલીસે શંકાના આધારે આ જથ્થો કબ્જે લીધો છે અને ત્રણેય શખસની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
આમ, પોલીસે કારનાં ચોરખાનામાંથી 173 કિલો ચાંદીના દાગીના કબ્જે કર્યા છે એની કિંમત અંદાજે એક કરોડ રૂપિયા કરતાં વધુ છે. વલસાડ રૂરલ પોલીસે 41(1)D મુજબ શંકાસ્પદ ચાંદીનો જથ્થો કબ્જે લીધો છે, જ્યારે કારમાં સવાર કાર ચાલક વિજય રામચંદ્ર પાટીલ, સંતોષ ગણપતિ અને સતીષ ગણપતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500