પુણા સ્થિત હવામાન વિભાગની મુખ્ય ઓફિસ તથા દિલ્હી સ્થિત તેનાં પ્રાદેશિક કાર્યાલયે ચેતવણી ઉચ્ચારી છે કે, આગામી બે દિવસ સમગ્ર ઉત્તર ભારતમાં હાડ ગાળતી ઠંડી પડવાની પૂરી શક્યતા છે. તારીખ 17 અને 18 જાન્યુઆરી દરમિયાન તો કડકડતી ઠંડી પડશે. આ તારીખો તો ઠંડીના સંદર્ભે ''ઐતિહાસિક'' બની રહેવાની શક્યતા છે. આ પછી તારીખ 19મી જાન્યુઆરીથી એક પછી એક વેસ્ટર્ન ડીસ્ટબન્સીઝ આવતા ઠંડીમાં થોડી રાહત થવાની શક્યતા છે, તેમ હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું. પહેલું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ તા.18મીની રાતથી પશ્ચિમ હિમાલયન વિસ્તારમાં શરૂ થવાની સંભાવના છે.
તે પછી બીજું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જાન્યુઆરી તારીખ 20ની રાતથી શરૂ થશે. આ બંનેને લીધે ગુરૂવારથી ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં ફરી વળેલું ઠંડીનું મોજું ધીમે ધીમે ઘટવા સંભવ છે. પરંતુ, આ ઘટાડા પૂર્વે ઓછામાં ઓછું ઉષ્ણતામાન 2 સેલ્સિયસ જેટલું મંગળવારે સવારે નીચે ઉતરી જવા સંભવ છે. 'મેટ' ઓફિસ વધુમાં જણાવે છે કે, ઠંડીનું કે તીવ્ર ઠંડીનું મોજું જાન્યુઆરીથી તારીખ 18મી સુધી તો રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ફરી વળશે.
તેમજ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં અને બિહારમાં પણ તારીખ 17 થી 19 ઠંડીનું મોજું જોવા મળશે. જ્યારે મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં તારીખ 17 થી 18 વચ્ચે કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગ વધુમાં ચેતવણી આપે છે કે, તારીખ 16 થી 18 દરમિયાન ગાઢ ધુમ્મસ સબ-હિમાલયન વેસ્ટ બેંગાલ અને સિક્કીમમાં ફેલાયેલું રહેશે. તે ઉપરાંત હિમાચલ પ્રદેશ અને ઉત્તરા ખંડમાં છૂટા-છવાયા વિસ્તારો પણ ધુમ્મસ છાયા રહેશે. બિહાર તારીખ 16 થી 19 ધુમ્મસ ભરેલું રહેવા સંભવ છે. ઓડીશામાં તે સ્થિતિ 16 અને 17 દરમિયાન રહેવાની છે.
બીજી તરફ આસામ, મેઘાલય અને ત્રિપુરા 16 થી 20 જાન્યુઆરી 2023 ધુમ્મસ-છાયા રહેશે. તેમ આઈએમડીની યાદી જણાવે છે. વાસ્તવમાં તો તારીખ 16મી થી જ હીમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ઠંડીનું મોજું શરૂ થઈ ગયું છે. જ્યારે સબ-હિમાલયન વેસ્ટ બેંગાલ અને સિક્કિમમાં તારીખ 16-17 જાન્યુઆરી ઠંડીગાર બની જશે. આ સાથે હવામાન વિભાગ તે પણ ચેતવણી આપે છે કે, ઠંડીના આ અભૂતપૂર્વ મોજાંને લીધે ફ્લુ, કફ, તીવ્ર શરદી, નાક ગળવું તેવી તકલીફો અને ઠંડીને લીધે થતી અન્ય માંદગીઓ રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીને ઘેરી વળવાની પુરી શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500