મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં સાકરદા બ્રિજ નીચેથી ટેમ્પોમાં લીલા મરચાની ગુણની નીચે વગર પાસ પરમિટે ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ નંગ ૫,૬૮૦ નંગ બોટલો જેની કિંમત રૂપિયા ૫.૬૮ લાખનો મુદ્દામાલ ભરી લઈ જતા ચાલકને ઝડપી પાડ્યો હતો, જયારે ઇંગ્લિશ દારૂ ભરવી આપનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૮/૦૯/૨૦૨૪નાં રોજ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાકરદા બ્રિજ નીચે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની બોલેરો પીકઅપ ટેમ્પો નંબર એમપી/૦૯/જીજી/૪૩૩૭માં લીલા મરચાની ગુણની નીચે ઇંગ્લિશ દારૂ ભરી નંદુરબારથી નિઝર અને ઉચ્છલ થઈ સુરત ખાતે જનાર છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બ્રિજ નીચે આવતા તે સમયે સાકરદા ફાટક બાજુથી બાતમીવાળો ટેમ્પો આવતા જોઈ પોલીસે તેને રોક્યો હતો.
ત્યારબાદ પોલીસે ટેમ્પોમાં ભરેલ લીલા મરચાની ગુણો નીચે ઉતારી છુપાઈને મુકેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસ સ્ટાફે ગણી જોતા ભારતીય બનાવટનાં ઈંગ્લીશ દારૂની કુલ ૫,૬૮૦ નંગ બોટલો મળી આવી હતી. જોકે પોલીસે ટેમ્પો ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, ભજનલાલ હરિરામ બિશ્નોય (રહે.ઇસરોલ ગામ, પંવારોકી ઢાણી, તા.ચીતલવાના, જિ.સાંચોર, રાજસ્થાન)નો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો ભરવી આપનાર, સુરેશ કાલુ બિશ્નોય (રહે.ઇસરોલ ગામ, પંવારોકી ઢાણી, તા.ચીતલવાના, જિ.સાંચોર, રાજસ્થાન) અને દિનેશ પવાર (હાલ રહે.નંદુરબાર, મૂળ રહે.બાવલા, જિ.સાંચોર, રાજસ્થાન)નાંઓને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
આમ, પોલીસે પીકઅપ ટેમ્પો જેની કિંમત રૂપિયા ૨ લાખ, મરચા ભરેલા ગુણો જેની આશરે કિંમત રૂપિયા ૬,૫૦૦/-, ભારતીય બનાવટનાં ઈંગ્લીશ દારૂની કુલ ૫,૬૮૦ નંગ બોટલો જેની કિંમત રૂપિયા ૫,૬૮,૦૦૦/- અને એક નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા ૭,૭૯,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી અજયભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવમાં આવી હતી, જયારે આ કામે બે ઈસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500