મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ તાલુકાનાં કેલાઈ ગામનાં ત્રણ રસ્તા પાસે જાહેરમાં તાપી એલ.સી.બી. પોલીસે કારમાંથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો, જયારે બે’ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો બુધવારનાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પ્રોહી. ગુના અંગેની પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની સ્વીફ્ટ કારમાં એક ઈસમ મહારાષ્ટ્ર રાજ્યનાં લક્કડકોટ ગામથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી લઈ કેલાઈ, ઉખલદા થઈ માંડવી તરફ જનાર છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો કેલાઈ ત્રણ રસ્તા પાસે અલગ-અલગ છૂટા છવાયા ટીમ બનાવી વોચમાં ઉભા હતા.
તે સમયે બાતમીવાળી સ્વીફ્ટ કાર નંબર GJ/26/AB/4235ને આવતાં જોઈ તેને આયોજન પૂર્વક કોર્ડન કરી ત્યાં રોકી લઇ ગાડીને રોડની સાઈડમાં ઉભી રખાવી હતી. ત્યારબાદ પોલીસે કાર ચાલકને નીચે ઉતારી તેનું નામ પૂછતા કાર ચાલકે તેનું નામ, મનુભાઈ ઈશ્વરભાઈ દેસાઈ (હાલ રહે. ઝાડપાટી ગામ, નિશાળ ફળિયું, તા.સોનગઢ, મૂળ રહે.હીરાવાડી ગામ, દેસાઈવાસ તાલુકો/જીલ્લો.પાટણ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે કારમાં તપાસ કરતા કારની ડીકી ખોલી જોતા ખાખી કલરનાં પુઠ્ઠાનાં બોક્સમાં અલગ-અલગ બ્રાન્ડની વગર પાસ પરમિટે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
ત્યારબાદ પોલીસે પ્રોહી. મુદ્દામાલ અંગે વધુ પૂછતા જાણવા મળ્યું હતું કે, આ ઈંગ્લીશ દારૂની પેટીઓ લક્કડકોટ મહારાષ્ટ્ર ખાતેથી એક ઈસમે જેના નામની ખબર નથી તેને ભરાવી આપી હતી અને આ ઈંગ્લીશ દારૂની પેટીઓ લઈ સોનગઢ થઈ કેલાઈ, ઉખલદા થઈ માંડવી તાલુકાનાં ખોડંબા ગામના ત્રણ રસ્તા પાસે રહેતો કલ્પેશભાઈ ચૌધરીને આપવાની હતી. આમ પોલીસે ઇંગ્લીશ દારૂની કુલ 456 બોટલો જેની કિંમત રૂપિયા 26,400/- અને 1 નંગ મોબાઈલ તેમજ કાર સહિત કુલ રૂપિયા 3,31,400/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ મનુભાઈ દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે દારૂ ભરાવી આપનાર અને મંગાવનાર બંનેને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500