મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ઉચ્છલનાં કટાસવાણ ગામની સીમમાં આવેલ બેડકી પોલીસ ચેક પોસ્ટ ખાતેથી ટેમ્પોમાં શાકભાજીની આડમાં વગર પાસ પરમીટે ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે 29 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો હતો, જયારે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો શુક્રવારના રોજ ખાનગી વાહનોમાં બેસી ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. અંગેની રેડમાં નીકળ્યા હતા.
તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, નવાપુર તરફથી એક ટેમ્પોમાં શાકભાજી ભરીને તેની નીચે ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડીને સોનગઢ તરફ જનાર છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો કટાસવાણ ગામની સીમમાં આવેલ બેડકી પોલીસ ચેક પોસ્ટ ખાતે નેશનલ હાઈવે નંબર-53 ઉપર અલગ-અલગ ટીમ બનાવી વોચમાં ઉભા હતા.
તે દરમિયાન નવાપુર તરફથી સફેદ રંગનો ટાટા યોદ્ધા પીકઅપ ટેમ્પો નંબર GJ/19/U/1707ને આવતાં જોઈ સાઈડમાં ઉભી રાખવી હતી. ત્યારબાદ પોલીસે ટેમ્પોના ચાલકને નામ પૂછતા તેને પોતાનું નામ મહેશ સંજય પાટીલ (રહે.છત્રપતિ શિવાજી બગર, લીંબાયત, સુરત)નાં હોવાનું જણાવ્યું હતું અને બાદમાં પોલીસે પકડાયેલ યુવકને સાથે રાખી ટેમ્પોમાં તપાસ કરતા કોબીજનાં પત્તા ભરેલી થેલીઓ તથા કાળા રંગનું ટાયર હટાવી જોતા નીચેના ભાગે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કાચની કુલ 1122 નંગ બોટલો મળી આવી હતી.
જોકે પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો મુદ્દામાલ ભરી આપનાર સુનીલ ઉર્ફે સુન્યો વિશ્વાસ પાટીલ (રહે.લીંબાયત, સુરત) અને દારૂ મંગાવનાર સચિન પાટીલ (રહે.સરદાર માર્કેટ, સહારા દરવાજા, સુરત)નાં હોવાનું જાણવા મળતા પોલીસે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
આમ, પોલીસે પીકઅપ ટેમ્પો જેની કિંમત રૂપિયા 3,00,000/- અને ઈંગ્લીશ દારૂની બોટલો જેની કિંમત રૂપિયા 2,15,400/- તથા 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 5,20,400/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી આનંદભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે પકડાયેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે સુરતનાં બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500