મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં તાડકુવા ગામની સીમમાં આવેલ મણીબા કોમ્પ્લેક્ષની સામે નેશનલ હાઈવે નંબર-53 ઉપર સોનગઢથી સુરત જતાં રોડ ઉપર સર્જાયેલ અકસ્માતમાં બાજીપુરા ગામનાં બે લોકોનાં ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ, વાલોડનાં બાજીપુરા ગામનાં વલ્લભનગર ખાતે રહેતા ભવાનભાઈ માવજીભાઈ પ્રજાપતિ (ઉ.વ.41) જેઓ ગુરૂવારનાં રોજ સાંજના 5 વાગ્યાનાં અરસામાં પોતાના કબ્જાનું બાઈક નંબર GJ/26/H/0713 લઈને વ્યારાનાં તાડકુવા ગામની સીમમાં આવેલ મણીબા કોમ્પ્લેક્ષની સામે નેશનલ હાઈવે નંબર-53 ઉપર સોનગઢથી સુરત જતાં રોડ ઉપરથી પસાર થતાં હતા.
તે સમયે રોડનાં સફેદ પટ્ટાની બહાર એક ડમ્પર નંબર GJ/21/Y/1551 પંચર થયેલ હાલતમાં ઉભો હોય અને ડમ્પરને જેક ચડાવતા હતા તે દરમિયાન બાઈક ચાલક ભવાનભાઈ પોતાના કબ્જાનું બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ઉભેલા ડમ્પરની પાછળ બાઈક અથડાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જયારે આ ગંભીર અકસ્માતમાં બાઈક ચાલક ભવાનભાઈ અને બાઈક પાછળ બેસેલ દિનેશભાઈ બાબુભાઈ પ્રજાપતિ (ઉ.વ.28., રહે.બાજીપુરા ગામ, વલ્લભનગર, વાલોડ) નાઓને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોચતા બંને જણાનાં ઘટના સ્થળ ઉપર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. બનાવ અંગે કાકરાપાર પોલીસે રામુભાઈ નરભેરામભાઈ પ્રજાપતિ (રહે.બાજીપુરા ગામ, ઘનશ્યામ નગર સોસાયટી, વાલોડ)ની ફરિયાદનાં આધારે કાકરાપાર પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500