સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં કોઈ પણ જાતનાં લાયસન્સ વિના ચિકન, મટન અને નોન વેજનું વેચાણ કરતી નવ જેટલી દુકાનને નગરપાલિકા સ્ટાફ દ્વારા બંધ કરાવવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ હુકમ મુજબ ચિકન અને નોન વેજ વેચાણ કરતી દુકાનો માટે લાયસન્સ લેવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ સાથે જ આવી નોન વેજ વસ્તુઓ ખુલ્લામાં રાખી વેચાણ કરવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
તે સાથે જ આવી દુકાનો પર જે રીતે ગંદકી જોવા મળે છે એ બાબતે પણ લોકોની નારાજગી અંગે નોંધ લેવામાં આવી હતી. આ અંગે ગુજરાતમાં નોન વેજ વેચાણ કરતી દુકાનોના લાયસન્સની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે સોનગઢ ઇસ્લામપુરા ટેકરા સહિતના અન્ય વિસ્તારોમાં નગરપાલિકા સ્ટાફ દ્વારા મંગળવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વખતે જે દુકાનદાર પાસે લાયસન્સ ન હોય એવી તમામ દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે.
જોકે નગરપાલિકાએ આવી કુલ નવ કરતાં વધુ દુકાનોને તાળાં મરાવ્યાં હતાં. જોકે વધુમાં લોકોએ નગરપાલિકાની કામગીરી બિરદાવી છે અને સાથો-સાથ લાયસન્સ કે યોગ્ય પરવાનગી વિના અને નિયમોનું પાલન કર્યા વગર આ દુકાનો ફરી ખુલી ન જાય એવી પણ માંગ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500