મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ નગરનાં હાથી ફળિયામાંથી એક ઈસમ વિદેશી દારૂનું વેચાણ કરતો ઝડપાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો શુક્રવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢનાં હાથી ફળિયામાં રહેતા એક ઈસમ વિદેશી દારૂનું વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સ્થળ ઉપર જઈ રેઈડ કરતા ત્યાં એક ઈસમ હાજર મળી આવેલ હતો. જોકે પોલીસે ઝડપાયેલ ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ, ગણેશભાઈ રઘુનાથભાઈ પવાર (રહે.નવાગામ, જમાદાર ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે ઝડપાયેલ ઈસમને સાથે રાખી કાચી પજારીનાં ભાગે જોતા પ્લાસ્ટીકની કોથળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ 65 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 6,450/- હતી. આમ, પોલીસે વિદેશી દારૂની બોટલો અને રોકડ રૂપિયા 9,540/- તથા 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 16,490/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી સંદીપભાઈ વરસાડેની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ઈસમ ગણેશ પવાર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500