તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાનાં બોરદા ગામે હોળીનાં મેળામાં પેટ્રોલિંગ કરવા વાહન લઈ નીકળેલ PSI અને હેડ કોન્સ્ટેબલ ઉપર ગોળ કુંડાળું કરી અસામાજિક પ્રવૃત્તિ કરતા ગુંદી ગામનાં માજી સરપંચ અને તેના ત્રણ સાથીઓએ પથ્થરમારો કરી ઇજા પહોંચાડી હતી. બનાવ દરમિયાન વાહનને પણ નુકસાન થતાં પોલીસે ચાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સોનગઢ તાલુકાનાં બોરદા ગામે હોળીનાં તહેવાર પૂર્વે બોરદા સહિત આસપાસનાં ગામનાં સમૂહ દ્વારા 4થી 5 દિવસનાં હોળી મેળાનું આયોજન થાય છે જેમાં સોગડિયા પાર્ટી દ્વારા રાત્રી દરમિયાન આદિવાસી નાચગાનનો કાર્યક્રમ થાય છે.
જોકે હાલમાં મેળાનાં સ્થાને ક્યાંક ક્યાંક જુગારની બદી પણ ચાલતી હોવાથી સોનગઢ પોલીસે આયોજકો સહિત ગ્રામજનો સાથે મેળામાં જુગાર ન રમાય તેવી તકેદારી રાખવા બેઠક યોજી હતી. મેળા દરમિયાન અલગ-અલગ પોઇન્ટ ઉપર પોલીસ સ્ટાફ ગોઠવી બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. દરમિયાન ગુરુવારનાં રોજ હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ફતેસિંગભાઈની ખાનગી કાર નંબર GJ/26/AB/3335માં બેસી પી.એસ.આઇ., કે.આર.ચૌધરી મેળામાં બંદોબસ્ત અનુસંધાને પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. જોકે રાત્રે 11:30 વાગ્યાના અરસામાં મેળામાં બુંદી ગામનો માજી સરપંચ યશવંત રમેશભાઇ વસાવા તથા અન્ય અજાણ્યા ત્રણ ઈસમો મળી કુલ ચાર જણા ગોળ કુંડાળું કરી અસામાજિક પ્રવૃત્તિ કરતા હોવાનું જાણતા પી.એસ.આઇ. અને હેડ કોન્સ્ટેબલ ચેક કરવા કુંડાળુ તરફ જતા હતા.
તે સમયે યશવંત વસાવાએ તેઓને જોઈ લેતા એકદમ ઉશ્કેરાઈને સાથીઓ સાથે મળી આસપાસ પડેલા પથ્થરો લઈ પી.એસ.આઇ. અને હેડ કોન્સ્ટેબલ તરફ છુટ્ટા ફેકવા લાગ્યા હતા. જેથી હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ અને પી.એસ.આઇ., કે.આર.ચૌધરીને છાતીનાં ભાગે બંને હાથનાં ભાગે અને કોણીનાં ભાગે ઓછી-વત્તી ઇજા થઈ હતી જેથી બંદોબસ્ત માટે પોલીસ સ્ટાફ તરફ દોડી આવ્યા હતા જયારે પથ્થર મારા દરમિયાન કારનાં ડાબી તરફનો અને પાછળનો એક કાચ તૂટી ગયો હતો તથા પીએસીઆર વાનને પણ નુકસાન થયું હતું જોકે નાશ ભાગ દરમિયાન માજી સરપંચ યશવંત વસાવા અને તેના સાથીઓ ભાગી ગયા હતા. ઘટના અંગે હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ફતેસિંગભાઈએ સોનગઢ પોલીસ મથકે ચારેય સામે પથ્થરમારો કરી પોલીસની ફરજમાં રૂકાવટ સામે ઈજા પહોંચાડી વાહનને નુકસાન કર્યાની ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500