મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ઝાંખરી ગામનાં ડુંગરી ફળિયામાં આવેલ બસ સ્ટેશન પાસે આવે ફોરેસ્ટ ચેકિંગ નાકા પાસેથી પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો જયારે બાઈક ઉપર આ દારૂનો જથ્થો લઈ આવનાર ત્રણ ઈસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસો રવિવારના રોજ સાંજના સમયે ખાનગી વાહનમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારનાં બીટ નંબર-4માં પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલ હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, અમરસિંહ ઝુબેરભાઈ ગામીત (રહે.ઘુટવેલ ગામ, બંગલી ફળિયું, તા.સોનગઢ)નાનો બે બાઈક ઉપર પ્રોહી. જથ્થો લઈને ઢોલીઉમર ગામ તરફથી ઝાખરી ગામ તરફ આવનાર છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ઝાખરી ગામ ફોરેસ્ટ ચેકિંગ નાકા પાસે વોચમાં ઊભા હતા તે દરમિયાન બાતમીવાળી મોટરસાયકલ તથા તેની પાછળ મોપેડ બાઇક આવતા જોઈ બંનેને ઉભા રહેવાનો ઈશારો કરતા મોટર સાયકલનાં ચાલકે ઉભી નહિ રાખી હતી અને બાઈક ઉપર મુકેલ કોથળો તથા મોટર સાયકલ રોડ ઉપર ફેંકી દીધી હતી.
જ્યારે મોપેડ ચાલકે પણ પોતાનું મોપેડ રોડ ઉપર છોડી ત્રણેય જણા જંગલની ઝાળીઓમાં ભાગી છુટ્યા હતા. આમ, પોલીસે બંને બાઈક ઉપરનાં કોથળામાં જોતા ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ 570 બોટલો જેની કિંમત રૂપિયા 28,500/- મળી આવી હતી. આમ, પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો અને એક મોટરસાયકલ તથા એલ મોપેડ બાઈક મળી કુલ રૂપિયા 1,28,500/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ભાગી છુટેલ ત્રણેય ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500