મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા તાલુકાનાં છીંડિયા ગામે ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂનું વેચાણ કરનાર ઈસમને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી LCB પોલીસ સ્ટાફનાં માણસો ગુરુવારનાં રોજ સાંજનાં સમયે ખાનગી વાહનમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, છીંડિયા ગામનાં ડુંગરી ફળિયામાં એક ઈસમ પોતાના ઘરે ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂનું વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમી વાળી જગ્યા પર જઈ રેઈડ કરતા એક ઈસમ હાજર મળી આવેલ હતો.
જોકે પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, શૈલેષભાઈ ધનસુખભાઈ ચૌધરી (રહે.છીંડિયા ગામ, ડુંગરી ફળિયું, તા.વ્યારા)ના હોવાનું જણાવેલ હતું. ત્યારબાદ પોલીસ સ્ટાફનાં માણસોએ ઈસમને સાથે રાખી ઘરમાં તપાસ કરતાં રસોડાનાં ભાગેથી બે કાપડની થેલીમાં ઇંગ્લીશ દારૂની પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારી વિનોદભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે શૈલેશ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500