ઉચ્છલનાં બાબરઘાટમાં આવેલ ખાતા નંબર-143 ગજેન્દ્રભાઈ આલુભાઈ વસાવાના કબ્જાવાળા શેરડીના પાકના વાવેતર વાળા ખેતરમાં ગત તારીખ 12/04/2024નાં રોજ જમીનની તકરારમાં ઉગ્ર બોલાચાલી અને મારામારી બે પક્ષો વચ્ચે થઈ હતી. જેમાં બંને પક્ષોની વડીલોપાર્જીત ખેતીની જમીનનાં હક હિસ્સા બાબતે અગાઉથી વિવાદ ચાલતો હોય, ગજેન્દ્રભાઈ વસાવાના શેરડીના વાવેતરવાળા ખેતરમાં શેરડીના ઉભા પાકમાં ખેડવા માટે ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા, જેઓને સુદામભાઈ અર્જુનભાઈ વસાવા તથા અન્ય તેમના સાથેના લોકોએ ખેડવાની ના પાડતાં સામા પક્ષના પંકજભાઈ જાન્યાભાઈ વસાવાએ જણાવ્યું કે, આ જમીન અમારા બાપ-દાદાની છે અને અમારી મરજીથી ખેડવા આવેલ છે તેમને પૂછવાની જરૂર નથી કહીને તમામે એકસાથે હાથમાં લાકડીઓ તેમજ કોયતા જેવા સાધનો વડે મારામારી શરૂ કરી હતી.
જયારે આ મારામારીમાં સુદામભાઈ ગજેન્દ્રભાઈ વસાવા, અર્જુનભાઈ રત્નાભાઇ, લલીતાબેન મુરલીધરભાઈ, વિરાજભાઈ મુરલીધર, આશિષભાઈ માકુભાઈ ઉપર કોયતા, કુહાડી અને લાકડીથી હુમલો કરાતા ઈજાઓ થઈ હતી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બાબતની ફરિયાદ ઈજાગ્રસ્ત સુદામભાઈ વસાવાએ 7 આરોપીઓ પંકજભાઈ જાન્યાભાઈ, બાબુભાઈ વિરલભાઈ જાન્યાભાઈ, વિરલભાઈ બાબુભાઈ, ફુલસિંગભાઈ જાન્યાભાઈ, ગણેશભાઈ બાબુભાઈ, સુકલાલભાઈ બાબુભાઈ, દિવ્યેશભાઈ ગણેશભાઈ સામે કરી છે. જયારે સામા પક્ષનાં બાબુભાઈ જાન્યાભાઈ વસાવાએ પણ 9 આરોપીઓ સામે ફરિયાદ કરતા જણાવ્યું છે કે, આરોપીઓએ ટ્રેક્ટરથી ખેડવાની ના પાડી હાથમાં લાકડી અને કોયતા તેમજ કુહાડી વડે ફરિયાદી બાબુભાઈ તથા તેમની સાથેના લોકોને જાનકી મારી નાંખવાની ધમકી આપી હતી અને પથ્થર ફેકી ઈજા પહોંચાડી હતી, જ્યારે પંકજભાઈ જાન્યાભાઈને ધારિયાથી ઇજા પહોંચાડી, ગણેશભાઈ બાબુભાઈને પથ્થરથી તેમજ ઢીક્કા મુક્કીનો મારમારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ આરોપીઓ અર્જુનભાઈ રત્નાભાઇ, ગજેન્દ્રભાઈ આલુભાઈ, મુરલીધર જાલુભાઈ, લલીતાબેન મુરલીધર, દીપકભાઈ જાલુભાઈ, આશિષભાઈ માકુભાઈ, સુદામભાઈ અર્જુનભાઈ, સુરેશભાઈ મોતીયાભાઈ, દિલીપભાઈ આલુભાઈ વસાવા સામે કરવામાં આવી છે ઉચ્છલ પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500